ઠાસરાની પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી અટકવા ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પીપલવાડા તાબેના દિપકપુરા પરા વિસ્તારની પ્રાથમિક શાળાની છતના પોપડા પડવાના મામલે પ્રશાસન દ્વારા મુખ્ય શિક્ષકની બદલી કરાઇ હતી. જોકે આ બદલીને અટકાવવા ગ્રામજનો ખેડા જિલ્લા પંચાયત કચેરી નડિયાદ ખાતે બદલી અટકાવવા આવેદનપત્ર આપી માંગ કરી હતી.
ઠાસરા તાલુકાના પીપલવાડા વિસ્તારમાં દીપકપુરા પ્રાથમિક શાળામાં થોડા દિવસ પહેલા શાળાની છતનો પોપડો તૂટીને નીચે પડતા એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા થઈ હતી. આ મુદ્દે વિદ્યાર્થીના માવતરોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા શાળાના મુખ્ય શિક્ષકની બદલી માતર તાલુકામા કરવામાં આવી હતી. જેના લઈને ગામના લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. સોમવારે ગ્રામજનોએ નડિયાદ ડભાણ રોડ પર આવેલ જિલ્લા પંચાયત કચેરીના પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ આવેદનપત્ર આપી બદલી કરાયેલા શિક્ષકને પુનઃ આ સ્થળે લાવવા માંગ કરી છે. જો આમ નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રજૂઆત કરવા પહોંચેલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ મુખ્ય શિક્ષક સારી રીતે કામ કરતા હતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ સારી રીતે કરાવતા હતા. તેમના કારણે અમારા બાળકોના અભ્યાસમાં સુધારો થયો છે માટે અમને આ શિક્ષક પરત જોઈએ છે.
