ઠાસરા પોલીસને બિનવારસી કારમાથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
નરેશ ગનવાણી નડિયાદ

અમદાવાદ પાર્સિગની કાર ઠાસરા નજીકના હાઈવે પરથી પસાર થવાની છે તેવી પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસે કારને પકડવા વોચમા ઉભા હતા. જોકે ચાલકને ખબર પડતા ઠાસરાના ખડગોધરા પાસે ખેતરાળા રસ્તામાં કાર મુકી ચાલક ફરાર થઇ ગયો હતો. આ કારમાંથી રૂપિયા ૨.૧૭ લાખનો વિદેશી દારૂ સાથે કાર મળી કુલ રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઠાસરા પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદ પાર્સિગની કાર વિદેશી દારૂ ભરીને સેવાલિયા-ડાકોર રોડ અથવા તો અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી પસાર થનાર છે. જેથી પોલીસે બે જુદીજુદી ટીમો બનાવી કારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે કાર ચાલકને આ બાબતે પહેલાથી જ ગંધ આવી જતાં તેણે પોતાની કાર ઠાસરાના ખડગોધરા ગામની સીમમાં કાચા રસ્તા પર ઉતારી ફરાર થઇ ગયો હતો. કાર બિનવારસી છે તેવી માહિતી ઠાસરા પોલીસને મળતા પોલીસે બનાવ સ્થળે દોડી આવી હતી. કાર ખોલીને જોતા અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે કારને ટોઈંગ કરી પોલીસ મથકે લાવ્યા હતા. ગણતરી કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલો ૧૭૬૭ કિંમત રૂપિયા ૨ લાખ ૧૭ હજાર ૫૬૦ તેમજ કારની અંદરથી ૪ નંગ જુદીજુદી નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે ૮ લાખની કાર મળી કુલ રૂપિયા ૧૦ લાખ ૧૭ હજાર ૫૬૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
