વેપારીએ લિધેલા રૂપિયા વ્યાજ સાથે ચૂકવ્યાં છતાં વ્યાજખોર વધુ રૂપિયા માંગતા ફરિયાદ નોંધાઈ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના પીપલગ ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીએ ત્રણ લાખ રૂપિયા ઊંચા વ્યાજે લીધા હતા. જેના ૫.૨૧ લાખ રૂપિયા વ્યાજ સાથે ચૂકવ્યાં હતા. આમ છતા વ્યાજખોરે વધુ રૂપિયા પાંચ લાખની માંગણી કરતા સમગ્ર મામલે વેપારીએ નડિયાદ ગ્રામ્ય પોલીસમા ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ તાલુકાના પીપલગ ગામે મહાદેવવાળા ફળિયામાં ભાવેશભાઇ રાવજીભાઈ પટેલ જે ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવે છે. ભાવેશભાઈને દુકાનમાં ઈલેક્ટ્રોનિક કાંટા ખરીદવા માટે નડિયાદ શહેરમાં ઝલક હોટલ પાસે એનેક્ષી એવન્યુમા રહેતા સત્યેન્દ્ર અનીલભાઈ જયસ્વાલ પાસેથી રૂપિયા 3 લાખ ઊંચા વ્યાજે લીધા હતા. આ સમયે સત્યેન્દ્ર જયસ્વાલે ભાવેશભાઇને જણાવ્યું કે દર મહિને રૂપિયા ૧૫ હજાર તેમજ ત્રણ કોરા ચેક સહી સાથેના આપવાના રહેશે. જેથી ભાવેશભાઇએ ત્રણ ચેક સહી કરેલા સત્યેન્દ્ર જયસ્વાલને આપ્યા હતા અને એ બાદ આજદિન સુધી કુલ રૂપિયા પાંચ લાખ ૨૧ હજાર ૫૦૦ ચૂકવી આપ્યા હતા.આમ છતા બીજા પાંચ લાખની માંગણી સત્યેન્દ્ર જયસ્વાલે ભાવેશભાઇ પાસે કરી હતી. નાણાં ન આપતા વ્યાજખોરે નાણાં લેવા દબાણ કર્યું હતું. જેથી આ સમગ્ર મામલે ભાવેશભાઇ પટેલેની ફરિયાદના આધારે સત્યેન્દ્ર જયસ્વાલ વિરૂધ્ધ નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
