પરિણિતાને સાસરીમાં ત્રાસ આપી રૂપિયાની માગણી કરતાં ફરીયાદ નોધાઇ
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પશ્ચિમ વિસ્તારની દીકરીના લગ્ન આજથી ચાર વર્ષ પહેલા મહુધા તાલુકાના ગામે રહેતા યુવાન સાથે થયા હતા. પરીણિતાને શરૂઆતમાં સાસરીના લોકો સારી રીતે રાખતા હતા. ત્યારબાદ તેણીને સારા દિવસો રહ્યા હતા. તે વખતે તેણીનો પતિ રાત્રે મોડા ગોદડીમાં મોઢું રાખી ફોનમાં કોઈ સાથે વાત કરતા હતા. અને પતિના પાકીટમાંથી લવ લેટર જેવો કાગળ પણ પરીણિતાને હાથે લાગ્યો હતો. જેથી આ બાબતે તેણીએ પોતાના પતિને પુછતા પતિએ તેણીની સાથે ઝઘડો કરી મારઝુડ કરી હતી. પતિ કોઈ કામધંધો કરતો ન હોય તેણે પોતાની પત્ની પાસે અવારનવાર રૂપિયાની માગણી કરતો હતો જેથી થોડા થોડા કરી કુલ રૂપિયા દોઢ લાખ જેટલી પરીણિતાએ મદદ પણ કરી હતી. જે બાદ પરીણિતાએ દીકરીને જન્મ આપતા સાસરીયાઓનુ મોઢુ ચઢી ગયું હતું અને અમારે તો દીકરો જોઈતો હતો તને દીકરી થઇ છે. તેમ કહી મહેણા ટોણાં મારતા હતા. અને તારા પિતાના ઘરેથી રૂપિયા ૧૦ લાખ લઈ આવ અમારે જરૂર છે તેમ કહી ત્રાસ આપતાં હતા. આ ઉપરાંત સાસુ, સસરા, નણંદ અને દિયર પણ તેણીના પતિને ચઢામણી કરતા હતા. ૨૧ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ સાસરીવાળાઓએ ઝઘડો કરી પરીણિતાને પીયરમા મુકી ગયા હતા તે બાદ તેડવા ન આવતા પરીણિતાએ પોતાના પતિ, સાસુ, સસરા, નણંદ, દિયર સામે નડિયાદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
