નડિયાદમાં એસ.આર.પી ગ્રાઉન્ડ થી ઇપ્કોવાળા હોલ સુધી ૧૨ ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા યોજાશે
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને, ૧૨મી ઓગસ્ટ સવારે ૧૦ કલાકે એસઆરપી ગ્રાઉન્ડ થી ઇપ્કોવાળા હોલ, નડિયાદ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાના આયોજન હેતુ કલેકટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર યાદવે શહેરના મહત્તમ નાગરિકોને તિરંગા યાત્રામાં જોડાવા અનુરોધ કર્યો. પોલીસ બેન્ડની આગેવાનીમાં અંદાજિત પાંચ હજાર જેટલા લોકો તિરંગા યાત્રામાં જોડાશે. જેમાં પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના કર્મીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમના સહભાગીઓ, કોલેજના યુવાનો અને નગરજનો પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાશે. તિરંગા યાત્રાને 5 બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલિઓ સાથે કાઢવામાં આવેશે.
આ બેઠકમાં ધારાસભ્યો પંકજ દેસાઈ, કલ્પેશ પરમાર, સંજયસિંહ મહીડા, યોગેન્દ્રસિંહ પરમાર, અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ સહિત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
