મહેમદાવાદમાં રોડ પર ગટરના પાણી ભરાયાં રહેતા રહિશોને હાલાકી
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદ સરકારી ગોડાઉન સામે આવેલ બારોટવાડા તેમજ ઇન્દિરા નગરી વિસ્તારમાં
ના રોડ પર બારે માસ ગટરના પાણી ભરેલા રહે છે. આ વિસ્તારમાં ગટરના દુર્ગંધ યુક્ત પાણી સતત માર્ગ પર વહેતા રહેવાની સમસ્યા થી રહીશો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે બાબતે સ્થાનિકો દ્વારા પાલીકાને વારંવાર લેખિત- મૌખિક રજુઆત કરવા છતાં પણ સમસ્યા નું નિવારણ ન આવતા મહિલાઓ દ્વારા દેખાવો કરી હલ્લાબોલની ચીમકી અપાઇ છે.
મહેમદાવાદ સરકારી ગોડાઉન સામે આવેલ બારોટવાડા તેમજ ઇન્દિરા નગરી વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા તંત્ર દ્વારા આર. સી. સી. રોડ ૧.૫ કિ.મી. લાંબો બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ પર ગટર ઉભરવા ની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં શહેરમાં વરસાદ પડતાની સાથે જ ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ પર ફરી વળે છે. બનાવવામા આવેલા રોડનું લેવલીગ સર્ખુ ના હોવાના કારણે આ રોડ પર બારેમાસ ગટર ઉભરાવાની અને પાણી ભરાઈ રહેવાની સમસ્યા કારણે માર્ગ પરથી પસાર થતા સ્થાનિકો ને ભારે મુશ્કેલી પડી રહી છે.
અને આ માર્ગમાં મસમોટા ખાડા પડી જવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે. ત્યારે ચોમાસાની ઋતુને લઈને વરસાદી પાણી પણ ભરાતા રહેવાસીઓ, મહિલાઓ અને બાળકોને સ્કૂલે મૂકવા લેવા જવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. ગટરના ગંદા પાણી ની દુર્ગંધ તેમજ તેમાં રહેલા મચ્છર જેવા જીવજંતુનો ઉપદ્રવ ને લઈને ઝાડા ઉલ્ટી, કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે સ્થાનીકો દ્વારા પાલીકાને વારંવાર રજુઆતો કરવા છતાં પણ સમસ્યા નું નિવારણ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહિશો દ્વારા મામલતદારને રજૂઆત કરાશે તેમ છતાં પણ નિવારણ નહિ આવે તો મહિલાઓ દ્વારા હલ્લાબોલ ની ચીમકી આપી હતી.