કાર ચાલકે રસ્તો પુછવાના બહાને બુલેટ ચાલકને ઉભા રાખી દાગીના પડાવી ભાંગી ગયા
નરેશ ગનવાણી નડિયાદ
મહુધાના હેરંજ પાસે કારમાં આવેલા સાધુએ બુલેટ ચાલકને આર્શીવાદ આપવાના બહાને નજીક બોલાવ્યો અને વિશ્વાસ કેળવી દોઢ તોલાની સોનાના દાગીના લઈને રફુચક્કર થઇ ગયો. આ બનાવ મામલે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મહુધા તાલુકાના પાલડી ગામે નવોદયનોગરમા રહેતા પરબતસિહ ભુપતસિહ સોઢા જે નિવૃત્તિમય જીવન ગુજારી રહ્યાં છે. ગઇકાલ સવારના સમયે ૧૧ વાગ્યાની આસપાસ તેઓ બુલેટ પર હેરજ-ચુણેલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે હેરંજ ગામની સીમમાં ગણેશપુરા પાટીયા પાસે એક નંબર વગરની કારમા એક નાગાબાવા જેવો વેશ ધારણ કરી એક સાધુ બેઠો હતો. જેણે આ પરબતસિહને રસ્તો પુછવાના બહાને પરબતસિહને ઉભા રાખી આર્શીવાદના બહાને કાર નજીક બોલાવ્યા હતા. અને વિશ્વાસમાં લઈને સૌપ્રથમ આર્શિવાદના બહાને પેન, ઘડિયાળ, મોબાઇલ કારમાં બેઠેલા નાગા બાવાએ મેળવી પરત પરબતસિહને આપ્યા હતા. જે બાદ પરબતસિહ પાસે ગળામાં પહેરેલ સોનાની દોઢ તોલાની ચેઈન અને હાથમાં પહેરેલ દોઢ તોલાની વીંટી માગતા પરબતસિહે ઉતારીને આપી હતી. જે બાદ આ કારમાં સવાર નાગાબાવાએ કહ્યું હું ગાડી લઈને આગળ જવ છું તુ પાછળ આવ તેમ કહી કાર ભગાડી મૂકી હતી. પરબતસિહે પીછો કરેલો પણ કાર ચાલકે કારને વધારે સ્પિડમાં ભગાડી ભાંગી ગયા હતા. આ બનાવ મામલે પરબતસિહ સોઢાએ મહુધા પોલીસ મથકે નાગાબાવા જેવો વેશ ધારણ કરનાર અને કારચાલક એમ બે સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

