નડિયાદમાં મંજીપુરા રોડ ઉપર આવેલી સોસાયટીમાં પરિણીતાએ ત્રીજામાં માળેથી ઝંપલાવતા ચકચાર
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના મંજીપુરામાં મંગળવારે એક પરિણીતાએ ત્રીજા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું છે. પરિણીતાએ પૂર્વ પ્રેમી સાથે સંબંધ તોડી નાંખતા, પ્રેમી પ્રેમસંબંધના ફોટા તેના પતિને બતાવી દેવાની ધમકી આપતો હતો. સમાજમાં બદનામ થઈશ તેવી બીકે પરિણીતાએ પતિને આવજે હું જાઉં છું કહીને ચોથા માળે પડતું મુકી આપઘાત કરી લેતા આ મામલે બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
નડિયાદના મંજીપુરા સુંદરવનમાં રહેતા અલ્પેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલાએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તા. ૩જી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સવારના સમયે તેમની પત્ની દુઃખી જણાતી હતી જેથી પતિએ પુછતા પત્નીએ જણાવ્યું કે તેમને છેલ્લા ઘણા સમયથી માતરના અસામલીમાં રહેતા સુરેશ ઉર્ફે ભગો અરવિંદભાઈ સાથે પ્રેમસંબંધ હતો. દસેક દિવસ પર પ્રેમી મળવા ઘરે આવ્યો હતો. જ્યાં પરિણીતાએ હવે હું તારી સાથે સંબંધ નહીં રાખવા માંગતી, જેથી હવેથી આપણે નહીં મળીએ. તેમ કહેતા પ્રેમીએ પ્રેમસંબંધના ફોટા તારા પતિને બતાવી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ પણ પ્રેમી ફોન કરીને હેરાન કરતો હતો. બનાવના દિવસે પણ ફોનમાં પૂર્વ પ્રેમીએ ગમે તેમ બોલતા પત્ની રડવા લાગી હતી. જેથી પત્નીને આશ્વાસન આપી, તારા માટે ઠંડુ લઈ આવું, તું ફોન ચાલુ રાખજે કહી અલ્પેશભાઈ ફલેટમાંથી નીચે ઉતર્યા હતા. દરમિયાન પત્નીએ આવજે, હું જાઉં છું કહી ત્રીજા માળેથી પડતું મુક્યું હતું. તેઓ તુરત જ દોડીને સ્થળ પર પહોંચ્યા અને ૧૦૮ને બોલાવી હતી. પણ તબીબેએ પત્નીને મૃત જાહેર કરી હતી. આ મામલે સુરેશ ઉર્ફે ભગો તથા અન્ય એક વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી
બંને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
