કપડવંજ હોમગાર્ડના બે કર્મચારીઓ રૂ. ૧૫૦૦ની લાંચ લેતા ઝડપાયા
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજ હોમગાર્ડ યુનિટના સભ્યને નિયમિત નોકરી અપાવવાના બદલામાં રૂપિયા ૧૫૦૦ની લાંચ લેતા બે હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટ એસીબીના હાથે ઝડપાયા એસીબી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કપડવંજ તાલુકાના મોટારામપુર ગામના મનિષકુમાર જયંતીભાઇ ઝાલા અને કપડવંજ મુકામે ડાકોર રોડ પરની સોસાયટીમાં રહેતા નરેન્દ્રકુમાર રયજીભાઇ ઝાલા બંને કપડવંજ યુનિટમા હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટ તરીકે ફરજ બજાવે છે. કપડવંજ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા યુનીટના હોમગાર્ડ સભ્યને નિયમીત રીતે હોમગાર્ડની ફરજો સોંપવા માટે એક મહિનાના રૂપિયા ૫૦૦ લેખે છેલ્લા ચાર મહિનાના રૂપિયા બે હજારની લાંચની માંગણી કરી હતી. જેથી હોમગાર્ડ જવાને જણાવ્યું હતું કે ૧૫૦૦ રૂપિયા હું તમને થોડા દિવસમાં આપીશ અને બાકીના રૂપિયા ૫૦૦ આવતા મહિને આપીશ. હોમગાર્ડ જવાને એસીબી કચેરીમાં આ બાબતે ફરિયાદ આપી હતી. એસીબીએ છટકું ગોઠવાયું હતું. જેમાં લાંચના છટકામાં નરેન્દ્રકુમાર રયજીભાઇ ઝાલા રૂપિયા ૧૫૦૦ સ્વીકારતા પકડાઈ ગયા હતા. જ્યારે તે પહેલા મોબાઇલ પર મનિષકુમાર જયંતીભાઇ ઝાલા એ વાત કરીને આ રકમ નરેન્દ્રકુમારને આપવા જણાવ્યું હતું જે ટેપિંગ પણ એસીબીના હાથમાં આવ્યું છે. એસીબી કચેરીએ બંને ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.