ઝાલોદના ચાકલીયા ગામે પોલીસનો સપાટો : એક ટ્રકમાંથી પોલીસે રૂા.૮ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી પોલીસે એક ટ્રકમાંથી રૂા.૮,૧૧,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે ટ્રકની કિંમત મળી કુલ રૂા.૧૫,૧૬,૨૦૦ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી ત્યારે આ વિદેશી દારૂની હેરેફારીમાં અન્ય ચાર ઈસમો પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.
ગત તા.૧૫મી ઓક્ટોમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદના ચાકલીયા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટ્રક પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે ટ્રક નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ટ્રકના ચાલક જુબેરભાઈ રસીદભાઈ ટીમીવાલા (રહે. ઝાલોદ, ફતેપુરા રોડ, ગુલીસ્તાન સોસાયટી, તા.ઝાલોદ, જિ.દાહોદ) ની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટ્રકની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૫,૮૫૬ કિંમત રૂા.૮,૧૧,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે ટ્રકની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૧૫,૧૬,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઉપરોક્ત ટ્રકના ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં કલાભાઈ (રહે.કલજીની સરસવાણી, તા.ઝાલોદ, જિ.દાહોદ), વહાબભાઈ દનીભાઈ ટીમીવાલા (રહે. ઝાલોદ, ફતેપુરા રોડ, તા.ઝાલોદ, જિ.દાહોદ), શાહરૂખ વહાબભાઈ ટીમીવાલા (રહે. ઝાલોદ, ફતેપુરા રોડ, તા. ઝાલોદ, જિ.દાહોદ) અને કાકણવાણી દારૂના ઠેકાદારની સાંઠગાંઠથી કાવતરૂ રચી આ વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાનું પોલીસ સામે કબુલાત કરતાં આ સંબંધે ચાકલીયા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.