ખેડાના ત્રાજ બસ સ્ટેન્ડ પાસે એનઆરઆઇની કારમાંથી ૩.૪૧ લાખની ચોરી
નરેશ ગનવાણી નડિયાદ
માતરના ત્રાજ બસ સ્ટેન્ડ પાસે એનઆરઆઇ પરિવાર ચા પીવા ઉભા રહ્યો હતો ત્યારે કારમાંથી ૩.૪૧ લાખની અજાણ્યા ઇસમે કારમાં રહેલા બે બેગની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે માતર પોલીસે ફરિયાદ નોંધી છે.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિરસદના અને વિદેશ સ્થાઈ થયેલા સુવર્ણાબેન પટેલ અને તેનો દિકરો હેમેશ જમીન ના કામ અર્થે ભારત આવ્યા હતા. તા.૧૪ ઓકટોબરના રોજ અમદાવાદ એરપોર્ટ પર મહિલા અને તેના દિકરાને મહિલાનો ભાઈ અને ગામના સમીરભાઇ લેવા આવ્યા હતા. ત્યારબાદ ચારેય વ્યક્તિ કારમાં બેસી વિરસદ જવા નીકળ્યા હતા ત્યારે તેમની બે બેંગ સીટની વચ્ચે મૂકી હતી. જેમાં રિટર્ન ટિકિટ, સોનાની બંગડી, બ્રિટિશ પાઉન્ડ રૂપિયા એક હજાર મળી કુલ રૂ ૩.૪૧ લાખની મત્તા હતી. આ દરમિયાન માતરના ત્રાજ ગામ પાસે પહોંચતા મહિલા ભાઇએ બસ સ્ટેન્ડ બહાર ચાની લારી પર ચા પીવા કાર ઉભી રાખી હતી. ત્યારબાદ મહિલાના ભાઈ અને કાર ચાલક ચા પીવા ગયા ત્યારે દિકરો હેમેશ પાણીની બોટલ લેવા ગયો હતો. દરમિયાન મહિલાને પગમાં ચસક ભરાઈ જતા તેઓ પણ કારને લોક કર્યા વિના બહાર આવતા રહ્યા હતા. ત્યારે મોપેડ પર આવેલ એક યુવક કારમાં રહેલા બંને બેગની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે સુવર્ણાબેન ભૂપેન્દ્રભાઇ પટેલે માતર પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે.