વાનરોએ મહિલા ઉપર હુમલો કરતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ નજીકના જોષીપૂરા વિસ્તારમાં બે વાનરોએ ૪૦ વર્ષિય દિવ્યાંગ મહિલા ઉપર હિચકારો હુમલો કરતાં, મહિલાનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
નડિયાદ તાલુકાના ફતેપુરા ગામમાં આવેલા જોષીપુરા સીમમાં રહેતાં સોમાભાઈ પરમારની દિકરી સુમિત્રાબેન નાનપણથી માનસિક દિવ્યાંગ હતા. બુધવારે બપોરના સમયે સુમિત્રાબેન ખેતર પાસે ઉભા હતા. ત્યારે  અચાનક જ ખેતર ઉભેલા સુમિત્રાબેન ઉપર બે વાનરોએ હુમલો કર્યો હતો. જેથી વાનરના હુમલાથી સુમિત્રાબેને બૂમાબૂમ કરી હતી પરંતુ કોઇએ તેમની બૂમ સાંભળી ન હતી. હિંસક બનેલાં બંને વાનરોએ ગણતરીની મિનિટોમાં જ સુમિત્રાબેનને ફાડી ખાધા હતા.
ગંભીર રીતે ઘવાયેલાં સુમિત્રાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. થોડા સમય બાદ ત્યાંથી પસાર થયેલા સુમિત્રા બેનના કાકાએ તેમને બૂમ પાડી, પણ કોઇ પ્રત્યુત્તર ન મળતાં તેમણે પોતાના પરિવારજનોને બોલાવ્યા હતા અને તપાસ કરતાં સુમિત્રાબેનના શરીરને બંને વાનરોએ ચૂંથી કાઢ્યાનું જોઇને પરિવાર પણ ડઘાઇ ગયો હતો. ઘટનાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં વાનરોના હુમલાની ઘટના બની છે. સમગ્ર વિસ્તારમાં વાનરોનો આતંક છે ત્યારે આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં રહેતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: