સરકારની મહત્વની યોજનાઓ હેઠળ જિલ્લામાં થયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી
નરે ગનવાણી નડિયાદ
ખેડા સાંસદ અને લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ “દિશા” સમિતિની બેઠક નડિયાદ ખાતે જિલ્લા પંચાયત ભવનમાં યોજાઈ હતી. જેમાં સાંસદશ્રી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ હેઠળ જિલ્લામાં થયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર લલિત પટેલ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના વિભાગો દ્વારા સરકારી યોજનાના અમલીકરણ અંતર્ગત છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલ કામગીરીની માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી આપવામાં આવી હતી. જેમાં તમામ વિભાગોની વિવિધ યોજનાઓ હેઠળ થતાં કામો અંગે માહિતી આપવામાં આવી હતી. સાંસદ દ્વારા તમામ વિભાગોની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સૌપ્રથમ શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. શાળાઓમાં આપવામાં આવતી ડિજિટલ સુવિધાઓ સાથે શાળાઓમાં આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તા માપવા માટેની વ્યવસ્થા વિકસાવવા સુધીના મહત્વના સૂચનો સાંસદ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. .
જિલ્લામાં આરોગ્ય સેવાઓ હેઠળ થયેલ કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને નમો યોજના પર વિગતવાર ચર્ચા થઈ હતી જેમાં જિલ્લા કલેકટર દ્વારા નમો શ્રી યોજના અંગે વધુ લોકો માહિતગાર થાય તે અંગે યોગ્ય પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષે જિલ્લામાં પુષ્કળ વરસાદની સ્થિતિ સર્જાઈ હતી માટે કૃષિ ક્ષેત્રે પણ વરસાદની સ્થિતિમાં ખેતીને થયેલ નુકસાન અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ સિંચાઈ યોજનાઓમાં વિસ્તરણ, આધુનિકીકરણ અને પુનઃસ્થાપનના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં પશુઓને લગતા રોગો અંગે સમય મર્યાદામાં રસીકરણ થાય તેમજ લોકોમાં આવા રોગો પ્રત્યે જાગૃતતા વધે તે માટે નક્કર પગલાઓ લેવાની સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં નડિયાદ સિંચાઈ વિભાગ દ્વારા જળ શક્તિ અભિયાન વિશે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં જળ સંગ્રહ કરતી જળ સંચાર સિસ્ટમ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લાના વિકાસ માટે દિશા સમિતિના સભ્યો વચ્ચે સંકલનની અગત્યતા સમજાવતા સાંસદ એ કહ્યું હતું કે, વિકાસના કામોનું તાલુકા કક્ષાએ મોનિટરિંગ પણ શરૂ કરવામાં આવશે. વધુમાં તેમણે જેને વિકાસનો લાભ મળવાનો છે એવા લાભાર્થી સાથે સતત સંવાદ કરતા રહેવાની તમામ અધિકારીને સૂચના પણ આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, રાજેશભાઇ ઝાલા, માનસિંહ ચૌહાણ તથા યોગેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નાયબ જિલ્લા વન સંરક્ષક અભિષેક સામરીય,નગરપાલિકા પ્રમુખઓ, તાલુકા પંચાયત પ્રમુખઓ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, જિલ્લાકક્ષાના ઉચ્ચ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.