તેલંગાણાથી રાજકોટ લઈ જવાતુંસાડા છ લાખના ડ્રગ્સ સાથે એક ઈસમ ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાજાના મુવાડા નવી ચેક પોસ્ટ પાસેથી કુલ રૂપિયા ૬ લાખ ૫૫ હજારની કિંમતના ડ્રગ્સ સાથે સપ્લાયરને પકડી લેવાયો છે. આ ડ્રગ્સ તેલંગણાથી રાજકોટ લઈ જવાતું હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસે પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
સેવાલીયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા મહારાજાના મુવાડા નવી ચેકપોસ્ટ પાસેથી સ્થાનિક પોલીસ ભોપાલથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની તલાસી લેતા તેની પાસેથી મેફોડ્રોન નામનુ ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ આરોપીની પુછપરછ કરતા તેણે પોતાનું નામ મુહમ્મદ મુબીર સુલેમાન કુંજ (રહે.તિરુવલ્લા, કેરળ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ આરોપી પાસેથી રૂપિયા ૬ લાખ ૫૫ હજારનુ આ ડ્રગ્સ મળી આવ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં આ મુહમ્મદે પોલીસ સમક્ષ જણાવેલ કે, આ મેફોડ્રોન નામનું ડ્રગ્સનો જથ્થો તેલંગણાના કિરણ નામના વ્યક્તિએ આપેલો હતો અને તેને ગુજરાતના રાજકોટ શહેરમાં આપવા જવાનો હતો. પોલીસે આ આરોપી પાસેથી રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૬ લાખ ૬૫ હજાર ૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા ઈસમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.