પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના નાયબ સચિવશ્રી મોહંતીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે બેઠક યોજાઈ


દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના નાયબ સચિવશ્રી મોહંતીની અધ્યક્ષતા હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંગે રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી.

બેઠક દરમ્યાન નાયબ સચિવશ્રી મોહંતીએ દાહોદ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને મળેલ આ યોજના કઈ રીતે લાભદાયી નીવડી તેમજ અન્ય લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે વાર્તાલાપ કર્યો હતો. એ સાથે આગામી ૨ વર્ષ દરમ્યાન કેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે એની સમીક્ષા કરવામાં આવી હતી.

દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨, ૫૫, ૦૦૦ જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં પાઇપ ગેસ લાઈન અંતર્ગત ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા પણ દેવગઢ બારીયા, લીમખેડા, દાહોદ તેમજ ઝાલોદ જેવા તાલુકાઓની જનતાને ગેસનો લાભ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા દાહોદ જિલ્લામાં કુલ ૧૨ હજારથી વધુ ગેસ કનેકશન આપવામાં આવ્યા છે.

નાયબ સચિવશ્રી મોહંતી દ્વારા તમામ મામલતદારશ્રીઓ તથા ગેસ એજન્સી ધારકોને રેગ્યુલર અવેરનેસ કેમ્પ કરવા તેમજ ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક ૨ સિલિન્ડર વિના મુલ્યે આપવામાં આવે છે, તેનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે લોકોને જાગૃત કરવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન જિલ્લા પુરવઠા અધિકારીશ્રી મિતેષ વસાવા, મામલતદારશ્રીઓ, જિલ્લા નોડલ અધિકારીશ્રી લોકેશકુમાર મિણા, ગેસ એજન્સીઓના સંચાલકો, વિવિધ ગેસ કંપનીઓના સેલ્સ ઓફિસરશ્રીઓ, દાહોદ જિલ્લાની તમામ ગેસ એજન્સી ધારકો સહિત પ્રધામંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: