દાહોદના ઉકરડી રોડ પરથી એક સાથે બે મોટરસાઈકલની ચોરી થઈ
દાહોદ તા.૨૬
દાહોદ ઉકરડી રોડ દેલસર ખાતે આવેલું સાઈધામ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ત્રાટકેલા બાઈક ચોરો એકજ રાતમાં બે બાઇકો ચોરીને લઈ ગયાનું સત્તાવાર જાણવા મળ્યું છે. ગત તારીખ ૧૭-૧૧-૨૦૨૪ ના રોજ રાત્રિના સમયે દાહોદના ઉકરડી રોડ, દેલસર ગામે બાઇક ચોર ટોળકી ત્રાટકી હતી. અને પોતાનો કસબ અજમાવી દેલસર ખાતે આવેલ સાઈધામ એપાર્ટમેન્ટના નીચે પાર્કિંગમાં લોક મારી પાર્ક કરેલ સાઈધામ એપાર્ટમેન્ટમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર જયંતકુમાર સુભાષચંદ્ર પાલની ૧૦,૦૦૦/- ની કિંમતની જીજે ૨૦ બીએચ-૪૧૫૭ નંબરની બ્લેક કલરની યામાહા એમ ટી-૧૫ મોટરસાયકલ તથા તેજ ફ્લેટમાં રહેતા જગદીશ કુમાર માનારામ સુથારની આરજે ૧૫ એચ.એસ ૪૧૫૭ નંબરની સ્પ્લેન્ડર મોટર સાયકલ મળી કુલ બે મોટરસાયકલ ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે દેલસર સાઈધામ સોસાયટીમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર જયંતકુમાર સુભાષચંદ્ર પાલે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ બી ડિવિઝન પોલીસે મોટરસાયકલ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.