દાહોદના સફળ ખેડૂત નવલસિંહ પસાયા પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે બન્યા ઉત્તમ ઉદાહરણરૂપ
દાહોદ તા.૨૭
પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીને તમામ ખેડૂતો અપનાવે એ જરૂરી બન્યું છે. પ્રાકૃતિક ખેતી નામમાં જ પ્રકૃતિ શબ્દ વણાયેલો છે. જે પ્રકૃતિને સમર્પિત હોય એ પ્રાકૃતિક. જેમાં નુકસાનીની બાદબાકી અને દેખીતો ફાયદો જ ફાયદો ! પ્રાકૃતિક ખેતીને ફાયદાઓની ખેતી કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી જ. હા, આ શબ્દો છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ ગામના ૬૫ વર્ષીય સફળ અને પ્રગતિશીલ ખેડૂતશ્રી નવલસિંહ પસાયાના.
નવલસિંહ પસાયાની વાત કરીએ તો તેઓ પોતાના ગામની જ પ્રાથમિક શાળામાં વર્ષો સુધી શિક્ષક તેમજ આચાર્ય તરીકે સેવા આપીને નિવૃત થયા છે, એમના ધર્મપત્ની કે જેઓ પણ પોતે શિક્ષિકા હતા તેઓ પણ હાલ નિવૃત થઇ પ્રાકૃતિક ખેતી કરવામાં નવલસિંહ પસાયાને મદદ કરી રહ્યાં છે. વર્ષ ૨૦૨૦ થી આ બન્ને પતિ – પત્ની પોતાની ૨ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી તેઓ ફાયદાઓની ખેતી કરી રહ્યા છે.
શાકભાજી, ફળ-ફળાદી સહિત આંતરપાક ધરાવતી પ્રાકૃતિક ખેતી કરીને આ દિશામાં પહેલ કરી ઘરે ફક્ત બેસીને સમય પસાર કરવા કરતાં તેમણે કંઈક સારુ અને નવું કરવાનું વિચાર્યું હતું. પ્રાકૃતિક ખેતીની જાણકારી અને તાલીમ દાહોદમાં આવેલ આત્મા પ્રોજેક્ટ ટીમ થકી તેમને મેળવી, અન્ય જિલ્લાઓ તેમજ રાજ્યોમાં જઈને તેમને પ્રાકૃતિક ખેતીની મહત્વત્તા સમજી અને પછી સરકારશ્રીના ખેતીવાડી અને બાગાયતી વિભાગની સહાયતા અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.
નવલસિંહ પસાયાએ પોતાની ફક્ત ૨ ગાયોની મદદથી જીવામૃત પદ્ધતિ અપનાવી જાતે જ ખાતર બનાવે છે. પરંતુ મારી જમીનમાં તો મને ફક્ત એક ગાય થી પણ પૂરું થઇ જાય છે. જેમાં ગાયના છાણ-મૂત્ર, દેશી ગોડ અને છાશને ઇનપુટ તરીકે લઈ જીવામૃત તૈયાર કરવામાં આવે છે. આ જીવામૃતને સમગ્ર ખેતરમાં વેન્ચ્યુરી સેટ અપ અને પાઇપલાઇન સિસ્ટમ દ્વારા સરળતાથી અને ઝડપથી જુદા જુદા ખેતરમાં પહોંચાડવામાં આવે છે. પરિવાર તેમને પ્રાકૃતિક ખેતીમાં પૂરતી મદદ પણ કરે છે.
વાર્ષિક લાખ – સવા લાખ રૂપિયાની ચોખ્ખી આવક સાથે ૫૦ થી ૬૦ હજારનો નફો સીઝન મુજબ મળી રહે છે, એમ કહેતાં તેઓ વધુમાં જણાવે છે કે, જીવામૃત, ઘન – જીવામૃત, બીજામૃત એમ પ્રાકૃતિક ખેતીને લગતી તમામ પદ્ધતિ તેઓ અપનાવે છે. ૨૭ હજાર લીટરનો પાણીનો ટાંકો, મીની ટ્રેકટર, ૭૫ હજારની સહાય સહિત સરકારના બાગાયતી અને ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીને લગતી વિવિધ સહાય મેળવી છે.
પ્રગતિશીલ ખેડૂતશ્રી નવલસિંહ પસાયા પોતાની ખેતીમાં વિવિધ આંબા, ટિંડોરી, રીંગણ, મરચા, ગલકા, ટામેટા, હળદર, કાળી હળદર, કાળા ચણા, જાંબુ, જામફળ, કાળા કેળા, પપૈયા, નારિયેળી, દાડમ, આમળા, મગફળી, ઘઉં, મકાઈ, ચોખા, શેરડી, ડુંગળી તેમજ તલ જેવા ફળાઉ, શાકભાજી, અનાજ તેમજ બાગાયતી પાકો કરીને સારી ગુણવત્તા વાળા પાક પકવીને આર્થિક રીતે નફા મેળવવા સહિત મૂળ સ્વાદ સાથે પોતાના પરિવારને તેમજ લેનાર તમામ ગ્રાહકને મૂળ સ્વાદ સાથે કોઈપણ પ્રકારના ભેળસેળ વગરનો તેમજ રસાયણ મુક્ત ખોરાક પૂરો પાડી રહ્યા છે.
મારે પાકનું વેચાણ કરવા બજાર સુધી લાંબા થવું આજદિન સુધી પડ્યું નથી, કારણ કે, મારા ફાર્મ પર જ લોકો સામે ચાલીને લેવા માટે આવે છે, મારી ઘરાકી જોઈને એટલું તો જરૂર માનવું પડે કે, લોકો હવે જાગૃત થયા છે, રાસાયણિક પદ્ધતિથી પકવેલ પાકની નહીં પરંતુ પ્રાકૃતિક ખેતી થકી પકવેલ પાકની માંગ કરી રહ્યા છે. આસપાસના જિલ્લાઓમાંથી પણ પ્રાકૃતિક ખેતીપાકની માંગ વધી રહી છે, જેને પુરી કરવા મારે હજી વધુ સમય અને મહેનતની જરૂર પડશે. જેના માટે હું તૈયાર છું.
પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, “રાસાયણિક ખાતરોથી જમીન, વાતાવરણ, જીવજંતુ સહિત મનુષ્યનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાય છે, જમીનમાં અળસીયા પોતાનું ઘર કરે છે, અળસીયા વધવાથી ભેજ વધે છે, પાણીની જરૂર પણ ઓછી રહે છે. સારા સાત્વિક, શુદ્ધ ખોરાક સાથે સારું આર્થિક વળતર મળે છે અને પર્યાવરણનું રક્ષણ પણ થાય છે.”
” મારું વ્યક્તિગત રીતે એવુ માનવું છે કે, દાહોદ જિલ્લામાં લોકો મૂળ ખેડૂતો છે, અને તેઓનો વ્યવસાય ખેતી છે, પરંતુ તેઓ તેમની પાસે આટ-આટલી જમીનો હોવા છતાં રાસાયણિક પદ્ધતિના કારણે જમીનો નિર્જીવ થઇ જવાથી પાક સારો મળતો નથી, જેથી તેનો ભાવ પણ પોસાતો નથી. આમ, આર્થિક રીતે નબળી સ્થિતિ ઊભી થતાં તેઓ પૈસા કમાવા માટે અન્ય જિલ્લાઓમાં મજૂરી કામ કરવા જાય છે, પણ જો તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવે તો તેમની જમીન ફરીથી જીવંત થશે. બસ શરૂઆતમાં એકાદ બે વર્ષ સુધી સતત મહેનત અને માવજતની જરૂર છે, પછી એનું પરિણામ આપણને ચોખ્ખું જોવા મળે છે.
મારા ફાર્મ પર વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો તાલીમ અને માર્ગદર્શન માટે મુલાકાતે આવે છે, સરકારશ્રી પ્રાકૃતિક ખેતી કરવા માટે તમામ રીતે બનતી મદદ કરી રહી છે, જરૂર છે તો ફક્ત ખેડૂતોએ પોતાની વિચાર સરણી બદલીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિને અપનાવવાની. સાધનિક સહાય, આર્થિક સહાય, બિયારણથી લઇને જોઈતી તમામ સહાય જો સરકાર સામેથી આપતી હોય તો પછી આપણને એક ખેડૂત તરીકે બીજું તો શું જોઈએ..!