દાહોદના ભાઠીવાડા ગામેથી પશ્ચિમ બંગાળનો બોગસ તબીબ ઝડપાયો : રૂા.૧૮ હજાર ઉપરાંતનો દવાનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો
દાહોદ તા.૨૮
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એસઓજી પોલીસે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ પશ્ચિમ બંગાળના તબીબને ઝડપી પાડી કુલ રૂા.૧૮,૦૭૯.૨૫ની દવાનો જથ્થો કબજે કરી પોલીસે બોગસ તબીબને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લો ટ્રાયબલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. આદિવાસી બાહુલ્ય ધરાવતાં જિલ્લામાં લે ભાગુ તત્વો તેમજ ખાસ કરીને બોગસ તબીબો દ્વારા ગામડે ગામડે પોતાના ક્લીનીકો ખોલી ટ્રાયબલ વિસ્તારના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતાં આવ્યાં છે. તેમાંય ખાસ કરીને પશ્ચિમ બંગાળના બોગસ તબીબોનો દાહોદ જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં રાફડો ફાટ્યો છે. ભુતકાળમાં પણ આવા બોગસ તબીબોને પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યાં છે ત્યારે પુનઃ એકવાર પશ્ચિમ બંગાળના એક બોગસ તબીબને દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. દાહોદ એસઓજી પોલીસને ગતરોજ મળેલ બાતમીના આધારે દાહોદના ભાઠીવાડા ગામે એક મકાનમાં ક્લીનીક ધમધમી રહ્યું હતું. આ ક્લીનીક પર પોલીસે ઓચિંતો છાપો મારી બોગસ તબીબ પશ્ચિમ બંગાળના બોગસ તબીબ અશિમભાઈ ધીરેન્દ્રભાઈ બિસ્વાસને પોલીસે ઝડપી પાડી તેના ક્લીનીકમાંથી પોલીસે કુલ રૂા.૧૮,૦૭૯.૨૫ની દવાઓનો જથ્થો કબજે કર્યાે હતો. પોલીસે બોગસ તબીબ અશિમભાઈ ધીરેન્દ્રભાઈ બિસ્વાસ વિરૂધ્ધ પોલીસે બી.એન.એસ. કલમ ૧૨૫ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦,૩૩ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.