દાહોદ જિલ્લામાં રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષપદે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો


દાહોદ તા.૦૭

કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૪ નો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે.જેના અનુસંધાને દાહોદ જિલ્લામાં રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષપદે જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ દેવગઢ બારીયા તાલુકાના પી.ટી.સી કોલેજ ખાતેથી કરાયો હતો.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૦૫ થી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ આ મહોત્સવનો બે દાયકા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, આપણો દેશ કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે.આપણને તો કૃષિ એ વારસામાં મળેલ વ્યવસાય છે.આમ,કૃષિને જડ સાથે જોડાયેલ વ્યવસાય ગણાવ્યો હતો. કૃષિ સુધારણાના અનેકવિધ પગલાં રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પણ રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પ્રગતિ હાંસલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે શ્રી અન્ન યોજના શરૂ કરી છે જેમાં ભાવિ પેઢીના આરોગ્યની ચિંતા કરી તૃણ ધાન્ય પાકો તરફ ખેડૂતોને પાછા વાળવા હલકા ધાન્યોનું રોજિંદા જીવનમાં મહત્વ વધે અને ખેડૂતોની આવક બમણી થાય તેવો આશય રહેલો છે. જેની સાથે પ્રાકૃતિક કૃષિને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તૃણ ધાન્ય પાકોની પરંપરાગત ખેતી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં થાય છે ત્યારે આપણા દાહોદ જિલ્લાના ખેડૂતો પણ તૃણ ધાન્ય પાકોને પ્રાધાન્ય આપી આગળ વધે અને નાગરિકો પોતાના ખોરાકમાં રોજીંદો ઉપયોગ કરી પોતાનું જીવન નિરોગી બનાવે તેવી અપીલ પણ કરી હતી.

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, ખેડૂતોનું કાર્ય એ સર્વશ્રેષ્ઠ કાર્ય છે, ખેતી કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ એ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પણ ખેડૂતો સારી એવી પ્રગતિ કરી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને ખેતી માટે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવી રહી છે. પશુપાલન, ખેતીવાડી અને બાગાયતી વિભાગના સહયોગ થકી નાના ખેતરોમાંથી પણ વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય એ માટેના પ્રયાસો પ્રાકૃતિક ખેતી થકી કરવાના છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના દાંતીવાડા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષામા રવી કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ આ તબક્કે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

રવી કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ સ્થળે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરતા વિવિધ સ્ટોલ્સ ઊભા કરી નિદર્શન કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલનારા આ સ્ટોલ પ્રદર્શનીની પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત કરી હતી. જેમાં પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિના ઉપયોગ, તેના પોષકગુણો, પાક ઉત્પાદન, જમીનની ગુણવત્તામાં વધારો, આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.જિલ્લામાં પરંપરાગત ખેતી અને મિલેટ્સના ઉપયોગ અંગે લોકજાગૃતિ આણવાનુ કાર્ય થઈ રહ્યું છે ત્યારે અહીં મિલેટ્સમાંથી બનતી વાનગીઓનો પણ સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડીના બહેનો દ્વારા સ્ટોલ પ્રદર્શન થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

જિલ્લા ખેતીવાડી વિભાગને લગતી પીએમ કિસાન યોજના સહિત તમામ યોજનાકીય માહિતી અને લાભો, ઇકેવાયસી, લેન્ડ સીડીંગની કામગીરી સહિત બેનર, પેમ્પલેટ્સ તથા સાહિત્ય વિતરણ દ્વારા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત સહિતની ખેતી પદ્ધતિથી પણ વાકેફ કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ખેડૂતમિત્રોને યોજનાકીય લાભો અંગેના હુકમ એનાયત કરવામાં આવ્યા હતો.

આ પ્રસંગે જિલ્લા કલેટકટર શ્રી યોગેશ નીરગુડે, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ,એ.પી.એમ.સી ચેરમેન શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ ,પ્રાંત અધિકારી શ્રી હિતેશભાઈ ભગોરા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે ,મામલતદાર શ્રી સમીર પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: