મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ડેરી અને પંચાયતી રાજના રાજ્યમંત્રી એસ. પી. સિંઘ બઘેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટ ઇન્ડિકેટર મિટિંગ યોજાઈ
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ડેરી અને પંચાયતી રાજના રાજ્યમંત્રીશ્રી ડૉ. એસ. પી. સિંઘ બઘેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટ ઇન્ડિકેટર મિટિંગ યોજવામાં આવી હતી. દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ મંત્રીશ્રીને દાહોદ જિલ્લા સહિત દાહોદ જિલ્લાને મળેલ ઇન્ડિકેટર્સ અંગેની વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી.
આ બેઠક દરમ્યાન આરોગ્ય, શિક્ષણ, આઈ. સી. ડી. એસ., ખેતીવાડી, પશુપાલન અને ફિશરીઝ વિભાગોના અધિકારીશ્રીઓએ પોતાના વિભાગ થકી કરવામાં આવેલ કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. જેમાં પી. એચ. સી. ની કામગીરી, આયુષ્યમાન કાર્ડ, વૃદ્ધાશ્રમ, શ્રમિક કાર્ડ, શિક્ષકોની શાળામાં રહેતી હાજરી, ડ્રોપ આઉટ રેસિયો, પોલિટેક્નિક કોલેજ, પોષણ આહાર, દૂધ સંજીવની યોજના, પોષણ સુધા યોજના, કુપોષણનું કારણ, અમૃત સરોવર, ખેડૂતોને મળતી સબસીડી, કિસાન સન્માન નિધિ યોજના, સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા તેમજ ઇન્ડસ્ટ્રીઝ જેવા વિષયોની સમીક્ષા સહ જાણકારી મેળવીને વધુમાં વધુ વંચિતો સુધી લાભ પહોંચે તેમજ સરકારશ્રી દ્વારા અપાતી સહાય જરૂરિયાત મંદ લોકો સુધી સો ટકા પહોંચતી કરવા સૂચના આપી હતી.
બેઠક દરમિયાન મંત્રીશ્રી બધેલે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના બાળકો અભ્યાસમાં વધુમાં વધુ રસ દાખવીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, આરોગ્ય ક્ષેત્રે સિકલસેલ એનિમિયા અને કુપોષણ પર વધુમાં વધુ ધ્યાન આપીને દાહોદ જિલ્લાને ઇન્ડિકેટર્સ ડિસ્ટ્રિક્ટમાંથી બહાર લાવવા પૂરતા પ્રયાસો કરવા માટે જણાવ્યું હતું. સાથોસાથ દાહોદ જિલ્લામાં થયેલ છેલ્લે ઇન્ડિકેટર્સ પહેલાંની સ્થિતિ અને અત્યારની સ્થિતિ વિશે જાણકારી મેળવીને અત્યારે પહેલાં કરતાં કેટલો સુધારો થયો તે માટેની દાહોદ જિલ્લાની સ્થિતિનો તાગ મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠક દરમિયાન આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી. એમ. પટેલ, ધારાસભ્યશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

