દાહોદના ડીડીઓ શ્રી રચિત રાજ કોરોનાને પરાસ્ત કરી ફરી જનસેવાના કાર્યમાં લાગી ગયા : ફરજ પર હાજર થતાંની સાથે જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે બેઠક
દાહોદ તા.20
તાજેતરમાં કોરોના વાયરસના સંક્રમણમાં સપડાયેલા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે હોમ આઇસોલેશનમાં રહી કોરોનાને મહાત કર્યો છે અને તે બાદ આજથી ફરી જનસેવાના કાર્યમાં જોડાયા છે. તેઓ આજે ફરજ પર હાજર થતાં જ જિલ્લા પંચાયત પરિસરમાં તેમનું કર્મયોગીઓ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગત્ત તારીખ ૬ જુલાઇના રોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ કોરના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમનો રિપોર્ટ પોઝેટિવ આવતાની સાથે શ્રી રાજ હોમ આઇસોલેશન થઇ ગયા હતા. જ્યાં તેમણે આરોગ્ય તંત્રની સલાહ પ્રમાણે દવાઓનું સેવન કર્યું હતું. આ ઉપરાંત, રોગ પ્રતિકારકશક્તિ વધે એવા ઉપાયો કર્યા હતા. સાથે, તેઓ તંદુરસ્તી જળવાઇ રહે એ માટે યોગ, પ્રાણાયામ અને હળવી કસરતો પણ કરતા રહ્યા હતા. જેથી શ્રી રાજ કોઇ પણ પ્રકારની શારીરિક તકલીફ વિના જ કોરોનાને પરાસ્ત કરી શક્યા હતા. આમ, તેઓ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા છે.
કોરોનાથી મુક્ત થતાંની સાથે જ તેઓ આજ સોમવારથી પોતાની ફરજ ઉપર જોડાઇ ગયા છે. તેઓ હાજર થતાં જ કર્મયોગીઓ દ્વારા કોરોના વોરિયર્સ તરીકે શ્રી રચિત રાજનું જિલ્લા પંચાયતમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતને પણ ફૂગ્ગાથી શણગારવામાં આવી હતી.
તેમણે હાજર થતાંની સાથે તાલુકા વિકાસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ગ્રામકક્ષાએ કોરોના સંક્રમણને રોકવા માટે લેવાયેલા પગલા, મનરેગાના ચૂકવણા, મહેસુલી વસુલાત સહિતના મુદ્દાઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બલાત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી. એન. પી. પાટડિયા ઉપસ્થિત રહ્યા હતા.

