નડિયાદમાં તસ્કરોએ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોર કરી ફરાર
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના પોશ વિસ્તાર ગણાતા વાણિયાવડની સોસાયટીમાં એક પરિવાર શનિ – રવિની રજા હોવાથી આણંદ રહેતા પરિવાર સાથે રહેવા ગયા હતા. જ્યારે ઘરે આવ્યા સામાન વેરવિખેર અને ઘરમાંથી સાડા બાર તોલા ઉપરાંતના દાગીના અને એક કિલો ઉપરાંતના ચાંદીના અને બે લાખ ઉપરાંતની રોકડ ચોરાઈ ગયું હતું. નડિયાદના વાણિયાવડ સર્કલ પાસે આવેલ સહજ પાર્ક સોસાયટીમાં રહેતા હિમાંશુ ભરતભાઈ ત્રિવેદીએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેઓ નડિયાદ અને આણંદમાં આવેલ ઘરે સંયુક્ત પરિવારમાં રહે છે. ગત તા.૧૩મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ તેઓ આણંદના ઘરે હતા. બીજા દિવસે તા. ૧૪મી એ તેમના નાના ભાઈ પણ
પરિવાર સાથે નડિયાદના ઘરને તાળુ મારી આણંદ શનિ રવિની રજામાં રહેવા માટે ગયા હતા. બીજા દિવસે તા.૧૫મીની રાત્રીના સુમારે તેઓ આણંદથી પરત નડિયાદ ઘરે આવ્યા ત્યાં ઘરનું તાળુ તૂટેલ હતું અને સામાન વેરવિખેર હાલતમાં હતો. તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરાઈ ગયા હતા. જેમાં સોનાની ચેઈન, પાટલા, વીંટી, બુટ્ટી, કાનની શેરો, ચુની, ચીપો મળી સાડા બાર તોલાના સોનાના દાગીના કિંમત રૂ. ૬.૫૦ લાખ અને એક કિલો ઉપરાંતના ચાંદીના દાગીના કિંમત રૂ. ૬૭,૭૫૦ તથા રોકડા ૨.૩૦ લાખ મળી કુલ રૂ. ૯.૫૩ લાખનો મુદ્દામાલ ચોરાઈ ગયો હતો. આ મામલે તેમણે નડિયાદ ટાઉન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
