ઝાલોદ નગરના અગ્રવાલ સમાજના યુવકે સાયકલિસ્ટમા રેકોર્ડ સર્જી નગરનું નામ રોશન કર્યું.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ નગરના અગ્રવાલ સમાજના યુવકે સાયકલિસ્ટમા રેકોર્ડ સર્જી નગરનું નામ રોશન કર્યું

સાહસ, સંકલ્પ, હિંમત, ખૂબ મહેનત અને સ્વપ્નની સફર : વડોદરા થી ગોવાઆપણા ઝાલોદ અને વડોદરાનું ગૌરવ એવા સાયકલિસ્ટ શ્રીરામ અગ્રવાલનો અનોખો રેકોર્ડ : અનેક ચેલેન્જ વચ્ચે દેશની બીજી સૌથી કઠિન સાયકલિંગ ઇવેંટ – સહ્યાદ્રીની(વડોદરાથી ગોવા) 1200 કિમીની સફરને 90 કલાકની અંદર પૂરી કરી.

“કોઈ પણ વ્યક્તિને ત્યાં સુધી હરાવી શકાતું નથી જ્યાં સુધી તે પોતે હાર ન માને” આ પંક્તિનું જીવંત ઉદાહરણ એટલે શ્રીરામ અગ્રવાલ. એક સમયે 500 મીટર પણ ના ચાલી શકતો વ્યક્તિ આજે સાયકલ પર દિવસના 400 કિલોમીટર કાપી નાખે છે.

સહ્યાદ્રી સાયકલિંગ ઇવેંટ દેશની સૌથી બીજી અઘરી ઇવેંટ છે. આ સફર પૂરી કરવા ખૂબ મહેનત, દ્રઢ મનોબળ, સંઘર્ષો સામે લડવાની તાકાત અને સ્વ-પ્રેરણાની જરૂર પડે છે. 4 ડિસેમ્બર 2024 ના રોજ રાત્રે 7 વાગે શરૂ થયેલ સફરમાં દેશભરના કુલ 39 સાયકલિસ્ટ જોડાયા હતા. સાપુતારાનો ઘાટ નાસિક અને થાણેનો મુશ્કેલ ઘાટ, પૂના નજીકનો સિંહગઢ ઘાટ, મહાબળેશ્વરનો બોરનો ઘાટ, અંબોલી ઘાટ અને કોલ્હાપુરમાં સખત વરસાદ વચ્ચે કઠિન રસ્તા, જંગલો અને પહાડોને ચીરી માત્ર 7 સાયકલિસ્ટ નિયત સમયે ગોવાના આરબોલ પહોંચ્યા હતા. સતત ચાર રાત રાઈડ કરી 1200 કિલોમીટરનું અંતર કાપી 90 કલાકની અંદર ગોવા પહોંચનાર આ 7 રાઇડર માંથી એક વ્યક્તિ એટલે શ્રીરામ અગ્રવાલ.

તેઓએ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા 3 દિવસ માત્ર લીંબુ-પાણી લીધા અને એક જ ટાઈમ જમ્યા હતા. આ રાઈડની પૂર્વતૈયારીના ભાગરૂપે તેઓએ અલાઇટ ફિટ પાસેથી સ્ટ્રેન્થ ટ્રેનીગ લીધેલી અને છેલ્લા 4 મહિનામાં 18 કિલો જેટલું વજન ઓછું કર્યું.

તેઓની સફર હજુ અટકવાની નથી. આ ઇવેંટ તો એમની લંડનમાં યોજાનારી એલઆરએમ ઇવેંટની તૈયારીના ભાગરૂપે હતી. તેઓ હવે 6 મહિના બાદ યોજાનાર લંડન ઇવેંટ માટે તૈયારી કરી રહ્યા છે. આવનાર સમયમાં આજ રીતે તેઓ ફ્રાંસમાં પણ તેઓની સખત મહેનત વડે સફળતા મેળવશે એમાં કોઈ શંકા નથી

ઝાલોદ નગરના નગરશેઠ, ધાર્મિક-સામાજિક કાર્યકર અને અગ્રણી નાથૂલાલ રામજીલાલ અગ્રવાલના પુત્ર એવા શ્રીરામ અગ્રવાલ એક સારા બિઝનેશમેન પણ છે. આજે શ્રીરામ અગ્રવાલ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. પોતાના પેશન પર સખત મહેનત કરવામાં આવે, યોગ્ય ટ્રેનિંગ લેવામાં આવે તો એ જ પેશન આપણું ટેલેન્ટ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!