મંદિરે દર્શન કરવા આવતા દંપતિની એક્ટીવાને ટ્રક ચાલકે ટક્કર મારતાં એકનું મોત
નરેશ ગનવાણી નડિયાદ
ડાકોર સ્વાગત રેસીડેન્સી સામે અમદાવાદથી ડાકોર મંદિરે દર્શન કરવા આવતા દંપતિની એક્ટીવા સ્કૂટરને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતા સ્કુટર સ્લીપ ખાઈ જતાં પતિને સરીરે ઈજાઓ પહોંચી હતી. જ્યારે પાછળ બેઠેલ પત્નીના માથા પર ટ્રકનું ટાયર ચઢી જતા તેણીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. અકસ્માત બાદ ટ્રકનો ચાલક પોતાની ટ્રક લઈ ભાગી ગયો હતો. આ બનાવ સંદર્ભે ડાકોર પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ વસ્ત્રાલ સૂર્યમ એલીગન્સ ફ્લેટમાં રહેતા વિજયકુમાર ભગવત પ્રસાદ ગોર તેઓ ગાંધીનગર પોલીસ ભવન ખાતે હેડકલાર્ક તરીકેની નોકરી કરે છે. તા. ૧૭ના રોજ બપોરના સમયે વિજયકુમાર પત્ની સંગીતાબેન બન્ને જણા પોતાના એક્ટીવા સ્કુટર પર ડાકોર રણછોડરાય મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. તેઓ કઠલાલ લાડવેલ ચોકડીથી ડાકોર આવતા હતા. દરમ્યાન ડાકોર સ્વાગત રેસીડેન્સી સામેથી પસાર
થતા હતા તે વખતે પાછળથી પુરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે પાછળથી ટક્કર મારતા સ્કુટર સ્લીપ ખાઈ ગયું હતું. જેથી વિજયકુમારને જમણા હાથે પગે તથા કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલ સંગીતાબેનના માથા પર ટ્રકનું વ્હીલ માથાના ભાગે ફરી વળતા સંગીતાબેન નું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. આ બનાવ સંદર્ભે વિજયકુમાર ગોરની ફરિયાદના આધારે ડાકોર પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.