દાહોદના હિમાલા ગામેથી ૧૩ વર્ષિય વિદ્યાર્થીનું અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરી લઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના હિમાલા ગામેથી શાળાએ જતાં એક ૧૩ વર્ષિય વિદ્યાર્થીનું કોઈ અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરી નાસી જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.
દાહોદના હિમાલા ગામે સીમલટોડી ફળિયામાં રહેતાં લલિતાબેન ચંદનસિંહ કથોટાનો ૧૩ વર્ષિય પુત્ર ચેતનભાઈ ગત તા.૨૦મી ડિસેમ્બરના રોજ સવારના સાડા નવેક વાગ્યાના આસપાસ પોતાના ઘરેથી શાળાએ જવા રવાનો થયો હતો ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા ઈસમોએ ચેતનભાઈનું અપહરણ કરી લઈ નાસી જતાં આ અંગેની જાણ ચેતનભાઈના પરિવારજનોને થતાં તેઓ દ્વારા આસપાસ તેમજ ગામમાં તપાસ કરી હતી પરંતુ ચેતનભાઈ મળી આવ્યો ન હતો. જેથી આ સંબંધે ચેતનભાઈની માતા લલિતાબેન ચંદનસિંહ કથોટા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ચેતનભાઈને શોધી કાઢવા ગામમાં લાગેલ સીસીટીવી તેમજ ટેકનોલોજીના માધ્યમથી ચેતનભાઈને શોધી કાઢવા માટે તપાસનો ધમધમાટ આરંભ કરી આ સંબંધે અપહરણકર્તા વિરૂધ્ધ કતવારા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

