મહેમદાવાદના ખેડૂતે ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદના કતકપુરાના ખેડૂતે ઊંચું વ્યાજ વસૂલતા ૯ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામા આવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેમદાવાદ તાલુકાના કતકપુરા ગામે મુવાડી કેનાલ રોડ પર રહેતા નિલેશભાઈ ભીખાભાઈ પટેલ જે ખેતીકામ સાથે સંકળાયેલા છે. નિલેશભાઈ આર્થિક કટોકટીમાં આવતા એક બાદ એક એમ કુલ ૯ લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં હર્ષદભાઈ મૂળજીભાઈ પટેલ (રહે.કતકપુરા) પાસેથી રૂપિયા ૨૩ લાખ ૫ ટકા લેખે વ્યાજે લીધેલા, કાભઈભાઈ શકરાભાઈ ગોહેલ (રહે.મહેમદાવાદ) પાસેથી રૂપિયા એક લાખ ૫ ટકા લેખે લીધેલા, જશુભાઈ કનુભાઇ ગોહેલ (રહે.મહેમદાવાદ) પાસેથી રૂપિયા ૫ લાખ ૫ ટકા લેખે વ્યાજે લીધેલા, ભીખાભાઇ ઉદાભાઈ ગોહેલ (રહે.છાપરા) પાસેથી રૂપિયા ૩ લાખ ૫૦ હજાર ત્રણ મહિનાના ઉચ્ચક વ્યાજ રૂપિયા ૫૦ હજાર લેખે વ્યાજે લીધેલા, રમેશભાઈ શંકરભાઈ ઠાકોર (રહે. પેટલાદ) પાસેથી રૂપિયા ૪ લાખ ૭ ટકા લેખે, વિષ્ણુભાઇ પુનમભાઇ વાઘેલા (રહે.બોડીરોજી) ત્રણ મહિનાના ઉચ્ચક વ્યાજે રૂપિયા ૫૦ હજાર લેખે વ્યાજે લીધેલા, વિજયભાઇ ગોવિંદભાઈ (રહે. અમદાવાદ) પાસેથી રૂપિયા ૪ લાખ ૫૦ હજાર ૬ ટકા લેખે વ્યાજે લીધેલા, ટીનાભાઈ ફૂલાભાઈ ગોહેલ (રહે.જીવાપૂરા) પાસેથી એક લાખ ૫ ટકા લેખે વ્યાજે લીધેલા અને જાડાભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ ભીખાભાઈ ગોહેલ (રહે.જીવાપુરા) પાસેથી રૂપિયા ૩ લાખ ૫ ટકા વ્યાજે લીધેલા હતા.
આ તમામ આરોપીઓએ ઉંચા વ્યાજ દરે વ્યાજ પેટે નાણા વસુલ કરેલ હતા અને નિલેશભાઈની આર્થિક પરી સ્થિતિ ખરાબ થઇ જતા તેઓએ વ્યાજના પૈસા ન આપતા આ તમામ લોકો રૂપિયા વ્યાજ સહિત વસૂલ કરવા માટે નિલેશભાઈને અવારનવાર ફોન કરી ધમકી આપતા હતા. આ ઉપરાંત આ તમામ લોકોએ નિલેશભાઈને જણાવ્યું હતું કે જો તમે રૂપિયા નહીં આપો તો, તારી પત્ની અને બાળકોને ઉઠાવી લઈ જઈશું. આ બનાવ સંદર્ભે નિલેશભાઈ પટેલે ઉપરોક્ત ૯ વ્યાજખોરો સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
