ઝાલોદના બિલવાણી ગામે ગામનાજ ચાર જેટલા લુંટારૂઓએ એક પરિવારને બાનમાં લઈ રૂા.૪૦ હજારની રોકડ રકમની લુંટ કરતાં પંથકમાં ચકચાર મચી
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બિલવાણી ગામના નવા સરપંચ ફળિયામાં વર્ષ ૨૦૨૪ ના અંતિમ દિવસે મોડી રાતે ત્રાટકેલા ગામનાજ ચાર જેટલા લૂંટારુંઓએ નવા સરપંચ ફળિયાના એક મકાનને ટાર્ગેટ બનાવી મકાનના છાપરાના નળિયા ખોલી છત વાટે ઘરમાં પ્રવેશી ઘરમાં ખાટલામાં સુતેલ આધેડ દંપત્તિને ડરાવી ધમકાવી તિજાેરીમાંથી રૂપિયા ૪૦ હજારની રોકડની લૂંટ કરી છુટ્ટા પથ્થર મારી લુંટારુઓ ફરાર થઈ ગયાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા સત્તાવાર રીતે મળ્યું છે.
ઝાલોદ તાલુકાના બિલવાણી ગામના નવા સરપંચ ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય રમેશભાઈ સમુડાભાઈ ભુરીયા તથા તેની પત્ની ૪૨ વર્ષીય સતુબેન ભુરીયા એમ બંને પતિ-પત્ની ગત રાતે જમી પરવારી પોતાના ઘરનો મુખ્ય દરવાજાે અંદરથી બંધ કરી ખાટલામાં મીઠી નીંદર માણી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના દોઢેક વાગ્યાના સુમારે તેમના જ ગામના ફુલસિંગભાઈ રમુડાભાઇ ભુરીયા તથા અશ્વિનભાઈ વિક્રમભાઈ ભુરીયા તેમજ અન્ય બે જણા મળી કુલ ચાર જેટલા લૂંટારુંઓએ રમેશભાઈ સમુડાભાઇ ભુરીયાના મકાનની ટાર્ગેટ બનાવી હાથમાં લાકડીઓ લઈ રમેશભાઈ ભુરીયાના મકાનના છાપરા પર ચડી છાપરા પરના નળિયા ખોલી છત વાટે મકાનમાં પ્રવેશ્યા હતા. તે વખતે ઘરમાં મીઠી નીંદર માણી રહેલા ઘરધણી રમેશભાઈ ભુરીયા તથા તેની પત્ની સતુબેન જાગી ગયા હતા અને તેઓ લૂંટારુઓને પડકારે તે પહેલા જ લૂંટારોઓએ ખાટલામાં સુતેલ દંપત્તિને ડરાવી ધમકાવી ઘરમાં મુકેલ તિજાેરી ખોલી તિજાેરીમાં મુકેલ રૂપિયા ૪૦ હજારની રોકડની લૂંટ કરી નાસવા જતા ઘરધણી રમેશભાઈ ભુરીયા તથા તેની પત્ની સતુબેને બૂમાબૂમ કરી મુકતા ચારે લૂંટારુઓ રમેશભાઈ ભુરીયાને છુટા પથ્થરો મારી રાત્રિના અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા. આ સંબંધે ઘરધણી રમેશભાઈ સમુડાભાઈ ભુરીયાની પત્ની સતુબેન ભુરીયાએ લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આ સંદર્ભે બિલવાણી ગામના ફુલસિંગભાઈ રમુડાભાઇ ભુરીયા, અશ્વિનભાઈ વિક્રમભાઈ ભુરીયા તથા તેઓના અન્ય બે સાગરીત મળી કુલ ચાર જણા વિરુદ્ધ બી એન એસ કલમ ૩૦૯(૪),૩૩૩(૨),૧૨૫(એ), ૫૪ મુજબ લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ચારે લૂંટારુઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

