ઝાલોદ રામસાગર તળાવ પાસે સ્ટ્રીટ લાઈટ બંધ : વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત પરિણામ શૂન્ય.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ રામસાગર તળાવ પાસે સ્ટ્રીટ લાઈટ બંધ : વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત પરિણામ શૂન્ય
રામેશ્વર મહાદેવ, મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન, ખોડિયાર માતા મંદિર જેવા મહત્વના સ્થળ હોવા છતાં તંત્ર બેધ્યાન
ઝાલોદ રામસાગર તળાવનું નામ આવતા જ નગરના લોકોના મનમાં એક જ વાત ચાલે કે હરવા ફરવા તેમજ શુદ્ધ હવા ખાવાનું સુંદર સ્થળ. રામસાગર તળાવની ચારે બાજુ પહેલા નગરના લોકો શુદ્ધ હવા ખાવા તળાવ કિનારે બેસતા હતા પરંતુ તંત્રની બેદરકારી ને લઈ રામસાગર તળાવની અંદર ગંદકી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તેમજ તંત્ર આ અંગે સતત નગરની ઉપેક્ષા કરતું હોય તેવું લાગી રહેલ છે. રામસાગરના તટ પર હિન્દુ સમાજનું રામેશ્વર મહાદેવ મંદિર અને ખોડિયાર માતા મંદિર પણ આવેલ છે તેથી સાંજના સમયે નગરના લોકો મંદિરમાં દર્શનાર્થે પણ જતા હોય છે. તેમજ આ વિસ્તારમાં મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન પણ આવેલ છે આવા મહત્વના સ્થળો આવેલ છતાંય આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ જોવા મળે છે. જેથી અહીંથી અવર જવર કરનાર લોકોને પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનો ડર સતાવતો રહે છે.
મુસ્લિમ સમાજમાં રાત્રી દરમ્યાન જો કોઈ મરણ થયેલ હોય તો તંત્ર દ્વારા આ વિસ્તારની લાઈટ બંધ હોવાથી તેઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે કચરાનો ડુંગર આવેલ છે તે પણ કેટલીક વાર આ માર્ગ પર થી હટાવવા માંગ કરેલ છે પરંતુ તંત્ર આ અંગે કઈ કરવા ઇચ્છતુ ન હોય તેવું નગરજનોને લાગી રહેલ છે. સ્ટ્રીટ લાઈટના બંધ હોવાને લઈ કેટલાક અસામાજિક તત્વો અહીંયા બેસી નશાકારક વસ્તુનું સેવન કરતા પણ લોકોને નજરે પડેલ છે.
નગરમાં આવેલ સુંદર તળાવના કિનારે રાત્રિ દરમ્યાન નગરના લોકો તળાવના કિનારે ફરવાનો આનંદ પણ લેવા જતા હોય છે પરંતુ લાઈટ બંધ હોવાને લઈ એકલા વ્યક્તિઓ ને આ વિસ્તારમા ફરવા જતા ડર લાગતો હોય છે. હાલ તો નગરજનો એમ જ ઇચ્છે છે કે સ્ટ્રીટ લાઈટ ચાલુ થાય, તળાવ સ્વચ્છ રહે તેમજ આ વિસ્તારમાં જે કચરાના ઢગ છે તે સાફ થઈ જાય હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલી જલ્દી આળસ ખંખેરી નગરના હિત માટેનું આ સુંદર કામ કરે છે.