ફતેપુરા તાલુકાના સુખસરમાં નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બની ચર્ચ કરનારા આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના સુખસરમાં નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બની ચર્ચ કરનારા આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ
આરોપીઓ નો ગુન્હાહિત ઇતિહાસ જાણવા અને કેસની રિકવરી સહિત આ કેસમાં કોણ કોણ સંડોવાયેલા છે તેની જાણકારી માટે રિમાન્ડ મેળવ્યા ફતેપુરા તાલુકાના સુખસર ખાતે શુક્રવારના રોજ નકલી આઈ.ટી અધિકારીઓએ એક વેપારીને ત્યાં રેડ પાડી ગીરવે આવેલા દાગીના સહિત ચોપડાઓ જપ્ત કરવાની ધમકી આપી રૂપિયા 25 લાખમાં તોડ કરવાનું જણાવી છેલ્લે પાંચ લાખ રૂપિયામાં તોડ કરી બે લાખ રોકડ પડાવી લઈ ત્રણ લાખ રૂપિયા મેળવવા જતા સુખસરના એક પત્રકારની સમય સૂચકતાથી નકલી આઈ.ટી અધિકારીઓનો ભાંડો ફૂટી જતા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે બે આરોપીઓ હજી ફરાર હોય પોલીસ દ્વારા તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે ઝડપાયેલા પાંચ નકલી ઇન્કમટેક્સ અધિકારીઓને પૂછપરછ માટે પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં હાજર કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રહેતા અલ્પેશભાઈ પ્રજાપતિના ઘરે ઇન્કમટેક્સનો દરોડો પાડવા ગયેલી નકલી ઇન્કમટેક્સ અધિકારીઓની ટોળકી ઝડપાઈ હતી.આ ટોળકીમાં કુલ સાત લોકો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.તેમાં મૂળ આણંદ વડોદરા વિભાગ જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલ પટેલ,અમદાવાદના વિવેકાનંદ નગર હાથીજણ ખાતે રહેતા અને પોલીસ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ભાવેશ આચાર્ય, દાહોદનો જમીન દલાલ અબ્દુલ સુલેમાન,અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો ઉમેશ પટેલ,દાહોદના રેલવે હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતો રાકેશ રાઠોડ,ઉમેશનો ભાઈ મનીષ પટેલ અને સુરતનો નયન પટેલ નામકનો સમાવેશ થતો હતો.જો કે પોલીસે આ ટોળકી પૈકીના રાકેશ અને નયનને છોડીને અન્ય પાંચની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.આ સાથે તેમણે પડાવેલા બે લાખ રૂપિયા માંથી એક લાખ રૂપિયા રિકવર પણ કર્યા હતા.નકલી અધિકારી તરીકેની ઓળખ આપીને 25 લાખની માંગણી સાથે બે લાખ પડવાના ગુનામાં પોલીસે રવિવારે વિપુલ પટેલ,ભાવેશ આચાર્ય, અબ્દુલ સુલેમાન અને ઉમેશ પટેલ અને મનીષ પટેલને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા.ત્યારે પોલીસે તેમનો ગુન્હાહિત ઈતિહાસ જાણવા અને આ કેસમાં હજી રિકવરી બાકી હોવા સાથે તેમની સાથે ટોળકીમાં હજી કોણ કોણ સામે હતા અને તેમણે ક્યાં-ક્યાં આ પ્રકારે છેતરપિંડી કરી છે તે જાણવા દશ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ નામદાર કોર્ટે આ તમામ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે,નકલી આઈ.ટી અધિકારીઓને ડિરેક્શન આપી ફોજ તૈયાર કરનાર કોઈ સ્થાનિક વ્યક્તિ પણ હોઈ શકે ત્યારે ઝડપાયેલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓની તટસ્થ તપાસ હાથ ભરવામાં આવે તેવી પણ સુખસર સહિત જિલ્લામાં ચર્ચાએ જોર પકડ્યું છે.

