દાહોદના નિયંત્રિત વિસ્તારોમાં વધુ સઘન હેલ્થ સ્ક્રીનિંગ કરવા શ્રી લોચન શહેરાની સૂચના
દાહોદમાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઇને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપવા અને સંકલનની પ્રક્રીયા વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નિયુક્ત કરવામાં આવેલા વરિષ્ઠ સનદી અધિકારી શ્રી લોચન શહેરા અને આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેએ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી હતા અને આ બેઠકમાં તેમણે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે.
રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ બાદ તુરંત જ દાહોદ આવી પહોંચેલા શહેરી વિકાસ વિભાગના સચિવ શ્રી લોચન શહેરાએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. તેમા તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને વધતું રોકવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ વધુમાં વધુ થાય તે આવશ્યક છે. તેની દાહોદમાં કોરોના વાયરસના દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું મહત્તમ ટ્રેસિંગ કરવામાં આવે અને તેને આઇસોલેશનની પ્રક્રીયા હેઠળ લાવવામાં આવે તે જરૂરી છે. આવું કરવામાં આવશે તો જ કોઇ એક દર્દીના કારણે વાયરસનું સંક્રમણ વધતું અટકશે. નિયંત્રિત વિસ્તારમાં મહત્તમ હેલ્થ સ્ક્રીનિંગ કરવા માટે પણ તેમણે કહ્યું હતું.
દાહોદમાં થયેલા મૃત્યુની બાબતમાં શ્રી શહેરાએ એક ખાસ બાબત નોંધી હતી કે, દાહોદમાં કોરોના વાયરસના દર્દીઓ છેલ્લી ઘડીએ સારવારમાં આવતા હોવાથી મૃત્યુંનો આંક વધ્યો છે. તેથી તેમણે નિયંત્રિત વિસ્તારોમાં અન્ય બિમારીઓ ધરાવતા હોય એવા વૃદ્ધોના આરોગ્યનું સઘન ચેકિંગ કરવા પણ આરોગ્ય વિભાગને જણાવ્યું હતું. કેટલાક નાગરિકો પોતાને આઇસોલેટ કરી દેશે કે હોસ્પિટલમાં બિનજરૂરી રીતે દાખલ કરી દેશે, એવા ભયમાં સારવાર હેઠળ આવતા નથી. આવા નાગરિકોના સમુહમાં વધુ જાગૃતિ લાવવા માટે દાહોદમાં ઉપલબ્ધ ૪૦ જેટલા કાઉન્સીલર્સનો સહયોગ લેવા શ્રી શહેરાએ કહ્યું હતું.
તેમણે મેડિકલ અને પારા મેડિકલ સ્ટાફને તાલીમ આપી કોરોના વાયરસની તમામ પ્રકારની કામગીરી કરવા માટે સક્ષમ બનાવવા માટે પણ જણાવ્યું હતું. કોરોના વાયરસની કામગીરી માટે સેક્ટી પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન થાય એ જોવા તેમણે ભાર મૂક્યો હતો.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ બેઠકમાં એક પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું અને કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે કરવામાં આવેલા કામગીરીની રૂપરેખા આપી હતી.
બાદમાં શ્રી શિવહરે અને શ્રી ખરાડીએ ઝાયડ્સ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જૂની બિલ્ડિંગમાં ઓક્સીઝન બેડ સાથે ૨૦૦ પથારીની વ્યવસ્થા ઝડપથી ઉભી કરવા ઉપરાંત મેડિકલ કોલેજના પીએસએમ વિભાગને પણ કોરોનાની કામગીરીમાં સાંકળવા જણાવ્યું હતું.
Sindhuuday Dahod