દાહોદ એલસીબી પોલીસે ચોરીની ચાર મોટરસાયકલ સાથે રાજસ્થાનના આરોપીને ઝડપી પાડ્યો
દાહોદ તા.૨૧
દાહોદ એલસીબી પોલીસે આંતર રાજ્ય વાહન ચોરી કરતાં રાજસ્થાન રાજ્યના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની ૦૪ મોટરસાઈકલો જેની કુલ કિંમત રૂા.૯૫,૦૦૦ની કિંમતની ચોરીની મોટરસાઈકલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા માટે, જુગારની પ્રવૃતિઓને અટકાવવા માટે, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ઝાલોદની ટીમ્બી ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી તે સમયે બાતમીમાં દર્શાવેલ અને રાજસ્થાન તરફથી આવતી એક નંબર વગરની મોટરસાઈકલનો ચાલક ત્યાંથી પસાર થયો હતો. પોલીસે તેને જાેઈ દુરથી ઉભા રહેવા માટે ઈશારો કરતાં નંબર વગરની મોટરસાઈકલનો ચાલક પોલીસને જાેઈ મોટરસાઈકલ લઈ ભાગવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડ્યો હતો અને તેને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં નંબર વગરની મોટરસાઈકલ ચોરીની હોવાની કબુલાત કરી હતી. પોલીસે પકડાયેલ આરોપી ભીમરાજભાઈ છગનલાલ પરમાર (રહે.રાજસ્થાન)ની વધુ પુછપરછ કરતાં પોતે તથા પોતાના સાગરીતો સાથે ભેગા મળી મોટરસાઈકલોની રેકી કરી તેનું લોક તોડી કે ડુબ્લીકેટ ચાવીથી મોટરસાઈકલનું લોક ખોલી મોટરસાઈકલ ચોરી કરતાં હતાં. ઉપરોક્ત ઝડપાયેલ આરોપી તથા તેમના સાગરીતો દ્વારા ચોરી કરેલ ચાર મોટરસાઈકલો જેમાં દાહોદ અને વડોદરા ખાતે અલગ અલગ વિસ્તારોમાંથી આ મોટરસાઈકલો ચોરી કરી હતી જે ચોરીની ૦૪ મોટરસાઈકલો પોલીસ પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી ૦૪ મોટરસાઈકલોની કુલ કિંમત રૂા.૯૫,૦૦૦ની ચોરીની મોટરસાઈકલો કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

