દાહોદ નગરમાં કોરોના સંક્રમણને નાથવા ૩૩ ધન્વતંરિ રથ સાથે ૪૮ મેડીકલ ટીમની સઘન આરોગ્ય ઝુંબેશ
દાહોદ તા.૨૮
દાહોદ નગરમાં કોરોના સંક્રમણને નાથવા માટે ૩૩ ધન્વતંરિ રથ સાથે ૪૮ મેડીકલ ટીમએ સપાટાભેર કામગીરીની શરૂઆત કરી દીધી છે. નગરમાં જયાં પણ કોરોના સંક્રમણના કેસોનો વ્યાપ વધુ છે ત્યાં મેડીકલ ટીમો દ્વારા સ્થળ પર જ હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે વધુમાં વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસણી થાય તે જરૂરી છે. કોરોના સંક્રમણના શરૂના જ તબક્કામાં જ જાણ થઇ જાય તો અન્ય વ્યક્તિઓને સંક્રમણ થતા અટકાવી શકાય છે અને જે તે વ્યક્તિના પણ જલ્દી સાજા થવાની શકયતા ખૂબ વધી જાય છે. માટે નાગરિકોને ઘરઆંગણે આરોગ્ય તપાસણીનો લાભ મળી રહ્યો છે તેનો અવશ્ય લાભ લે.
દાહોદ નગરનાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેવા કે, ગોવિંદનગર, ગોદી રોડ, ગોધરા રોડ, ડબગરવાડ, ઘાંચીવાડ, દેસાઇવાડ સહિતના વિસ્તારોમાં ઘન્વંતરિ રથો દ્વારા મોટા પાયે લોકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. સાથે આયુર્વેદ અને હોમિયોપેથીની રોગપ્રતિકારક શક્તિની દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને કોરોના સામે શું સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી રહી છે.
દાહોદ નગરના ૩૩ ધન્વંતરિ રથો સહિત કુલ ૫૫ જેટલા ઘન્વંતરિ રથો જિલ્લામાં નાગરિકોની આરોગ્યની સઘન તપાસ, નિદાન અને સારવાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ઘન્વંતરિ રથ દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશને ખૂબ જ સફળતા મળી છે અને દેશભરમાં આ મોડલની સફળતા પ્રશંસાપાત્ર બની છે.
#Sindhuuday Dahod