નડિયાદ ભાજપના કાર્યાલય ખાતે ઉમેદવારી નોંધાવવા માટે કાર્યકરોની ભીડ
નરેશ ગનવાણી નડિયાદ

આગામી યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ખેડા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. સોમવારે સવારથી જ નડિયાદ સ્થિત ભાજપના કાર્યાલય કમલમ ખાતે ઉમેદવારી નોંધાવવા માટે કાર્યકરો આવ્યા હતાં.
ભાજપે બે ઝોન વિભાજિત કરીને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી છે. પ્રથમ ઝોનમાં ખેડા, મહેમદાવાદ, ડાકોર, મહુધા અને ચકલાસી નગરપાલિકાના વોર્ડ દીઠ ઉમેદવારો તેમની કામગીરીના ડેટા સાથે હાજર થયા હતા. બીજા ઝોનમાં કઠલાલના ભાટેરા ગામની કૃષિ સેવા મંડળ ખાતે કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયત અને કપડવંજ નગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ અજયબ્રહ્મભટ્ટના જણાવ્યુ હતું કે, પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની ટીમ આવી પહોંચી છે અને હિયરિંગની પ્રક્રિયા ચાલુ છે. દરેક વોર્ડમાંથી ૧૫થી ૨૦ જેટલા કાર્યકરો ઉમેદવારી માટે આગળ આવ્યા છે. પક્ષના નિયમો અને ધોરણો મુજબ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

