ખેડા જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન અને વાઈસ ચેરમેન ચૂંટાયા
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લા સહકારી સંઘમાં મંગળવારે સંઘના ચેરમેન પદે રાજેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે રમેશભાઈ પૂજાભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, માનદમંત્રી તરીકે અર્જુનસિંહ જેસંગભાઈ વાઘેલા અને રાજ્ય સંઘ પ્રતિનિધિ તરીકે જયરામભાઈ રબારીની નિમણૂંક કરવામાં આવી છે.
કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સહકારની ભાવનાથી કામ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સહકારી ક્ષેત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. તેમણે ગ્રામીણ વિકાસ અને યુવાનોને સહકારી ક્ષેત્રમાં તાલીમ આપવા પર ભાર મૂક્યો હતો.
નવનિયુક્ત ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે પાર્ટી નેતૃત્વ અને સંગઠનનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા સહકારી સંઘના પૂર્વ ચેરમેન ધીરુભાઈ ચાવડા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંઘના સભ્ય ધર્મેશભાઈ જે. પટેલે પોતાને મળવાપાત્ર ભથ્થું ન લેવાનો નિર્ણય જાહેર કર્યો છે, જે સહકારી ક્ષેત્રમાં એક આદર્શ ઉદાહરણ બની રહ્યું છે.

