લીમખેડાના બાંડીબાર ગામે આવેલ નદીમાંથી માતા-પુત્રીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી

દાહોદ તા.૦૫

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાંડીબાર ગામે આવેલ નદીમાં એક માતા તેમની ૧ વર્ષીય માસુમ પુત્રી સાથે અકસ્માતે નદીના પાણીમાં પડી જતાં બંન્ને માતા-પુત્રીનું નદીના પાણીમાં ડુબી જવાથી મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ગત તા.૦૧થી ૦૪ ફેબ્રુઆરીના સમયગાળા દરમ્યાન લીમખેડાના મોટીવાવ ગામે રહેતાં ૪૩ વર્ષિય મંજુલાબેન બાબુભાઈ ચૌહાણ પોતાની ૦૧ વર્ષિય માસુમ પુત્રી પ્રિતીબેનને સાથે લઈ લીમખેડાના બાંડીબાર ગામે આવેલ નદી ત્રિવેણી સંગમ ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે અકસ્માતે ઉપરોક્ત બંન્ને માતા-પુત્રી નદીના પાણીમાં પડી ગયાં હતાં. ઉપરોક્ત માતા-પુત્રી મોડી સાંજ સુધી ઘરે ન આવતાં પરિવારજનોએ બંન્નેની શોધખોળ આદરી હતી. ત્રણ દિવસ સુધી પરિવારજનોએ ઉપરોક્ત માતા-પુત્રીની શોધખોળના અંતે ગતરોજ ઉપરોક્ત માતા-પુત્રીનો મૃતદેહ નદીના પાણીમાંથી મળી આવતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બંન્ને મૃતક માતા-પુત્રીના મૃતદેહનો પોલીસે કબજાે લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. આ સંબંદે સુરેશભાઈ રામાભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!