કારની ટક્કરે મોપેડ સવાર દંપતી રોડ પર પટકાતા પત્નીનું મોત
નરેશ ગનવાણી નડિયાદ

સેવાલિયા-ડાકોર રોડ પર આવેલા પેટ્રોલ પંપ સામે બુધવારે રાતે સાસરીમાંથી ઘરે મોપેડ લઇ જતા દંપતિને કાર ચાલકે અડફેટ મારી જેમાં મોપેડ પાછળ બેઠેલા પત્ની જમીન પર પટકાતા ગંભીર ઇજા પહોંચતા બનાવ સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે ગંભીર રીતે ઘવાયેલા મોપેડ ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગે સેવાલિયા પોલીસે ફરિયાદ નોંધી છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી ગામના મોટા ફળિયામાં રહેતા લક્ષ્મણભાઇ છબાભાઇ મંગળવાર લક્ષ્મણભાઇ તેમના પત્ની ઇન્દુબેનને મોપેડ પર સાસરી ડેસર તાલુકાના સુખપૂરી જવા નીકળ્યા હતા. જ્યારે દંપતી પરત ઘરે આવી રહ્યા હતા. તે સમયે બુધવાર રાતના સમયે સેવાલિયા- ડાકોર રોડ પર આવેલા પેટ્રોલ પંપ સામે એક કારના ચાલકે મોપેડને પાછળથી અડફેટ મારી અકસ્માત સર્જાયો હતો.
જેથી મોપેડ પર સવાર ઇન્દુબેન ઉછળીને જમીન પર પટકાતા માથામાં અને ડાબા પગે ગંભીર ઇજા પહોંચતા બનાવ સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે મોપેડ ચાલક લક્ષ્મણભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સેવાલિયા હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ગોધરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ત્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.આ બનાવ અંગે રાહુલ લક્ષ્મણભાઈ પરમારે સેવાલિયા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

