રામકથાના આઠમો દિવસે મોરારિબાપુએ કહ્યું – નામ સ્મરણનો મહિમા અપાર, રામ પરમ તત્વ છે
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના સંતરામ મંદિરમાં ચાલી રહેલા દિવ્ય મહોત્સવમાં રામકથાના આઠમા દિવસે મોરારિબાપુએ નામ સ્મરણનો મહિમા સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કે તુલસીદાસજીએ માત્ર નામ જપી જાગરણ કરનારાને જોગી કહ્યા છે. નામનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે રૂપ નહીં પરંતુ નામ જ આપણને લક્ષ્ય સુધી પહોંચાડે છે. મોરારિબાપુએ યોગમાં પ્રવેશવાના લક્ષણો વિશે વાત કરતા કહ્યું કે એકાંત સેવન કરવું, વસ્તુઓનો સંગ્રહ ન કરવો અને ઓછું બોલવું મહત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રામથી મોટી કોઈ ઊંચાઈ નથી અને તેમની ઊંચાઈ માપવી આપણું કામ નથી. યોગીઓએ રામને પરમ તત્વ રૂપે જોયા છે અને જેની જેવી શ્રદ્ધા તેવા તેમને રામ દર્શન થાય છે.
કાર્યક્રમમાં શ્રીમદ્ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ હાજરી આપી હતી. તેમણે કથાની મહત્તા સમજાવતા કહ્યું કે વક્તાની કર્મેન્દ્રિય અને શ્રોતાની જ્ઞાનેન્દ્રિય એકરૂપ થાય ત્યારે કથા સાર્થક બને છે. તેમણે ભાગવતને મનને શુદ્ધ કરનારું સર્વશ્રેષ્ઠ સાધન ગણાવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી મધુસુદન વ્યાસ અને રત્ના દીદી સહિત નડિયાદના પંજાબી સમાજના આગેવાનો, રામજી મંદિરના મુખ્ય સેવક પરમેશ્વરદાસજી તેમજ સાહિત્યકારો ભાગ્યેશ જહા અને કવિ હર્ષદ ત્રિવેદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


1078l5