પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ : આંગણવાડીની બહેનોએ મિલેટ્સની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી


દાહોદ તા.૨૮

તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ (શુક્રવાર) રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઇ.સી.ડી.એસ. દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે.

પોષણ ઉત્સવ અંતર્ગત દાહોદ જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા સંજેલી તાલુકાના વાસીયા ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ ચેરમેન શ્રી સુશીલાબેન બારિયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણ અન્ય પદાધિકારીશ્રીઓ, સી. ડી. પી.ઓશ્રી દ્વારા આઇ.સી.ડી.એસ.- વિવિધ આંગણવાડીના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનું નિદર્શન યોજવામાં આવ્યું હતું

આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણએ જણાવ્યું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ મહિલાઓ અને બાળકોના પોષણ તથા આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતા સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક આહારનો ઉપયોગ કરવામાં આવે અને તેમાંથી જરૂરી કેલેરી, પ્રોટીન અને પોષકતત્વો મળી રહે તે માટે ટેક હોમ રાશન, માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિમાં દર મહિને આપવામાં આવે છે. મિલેટસ ધાન્યો જેવા કે બાજરી, જુવાર, નાગલી, કોદરી, બંટીનો પણ આહારમાં નિયમિત ઉપયોગ કરવા ઉપસ્થિત મહિલાઓ-કિશોરીઓને જણાવ્યું હતું.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ ચેરમેન શ્રી સુશીલાબેન એ જણાવ્યું કે બાળકો અને સગર્ભા બહેનો યોગ્ય પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક આરોગે, વિવિધ દેશી વાનગીઓ ઓછી ખર્ચાળ વસ્તુઓમાંથી બનાવી બાળકોને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડે અને ઘર આંગણે, આંગણવાડીમાં મળતું ટેક હોમ રાસન, મિલેટસ તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખોરાક નિયમિત રીતે આહારમાં ઉપયોગ કરે જેથી માતા પોષિત થશે તો બાળકો પણ પોષિત બની સ્વસ્થ રહેશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

તાલુકા દીઠ આંગણવાડી વર્કર દ્વારા વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. ટી.એચ.આર. તથા મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી વાનગીઓનું નિદર્શન સ્પર્ધામાં કરવામાં આવ્યું હતું.

આ પૈકી પ્રથમ, દ્વિતિય અને તૃત્તિય ક્રમાંક મેળવનાર વાનગી સ્પર્ધાના વિજેતા બહેનોને મહિલા અને બાળ વિકાસ ચેરમેન શ્રી સુશીલાબેન બારિયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણના હસ્તે પ્રમાણપત્ર આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ ,તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સહિત સી.ડી.પી.ઓ શ્રી આઇ.સી.ડી.એસ.ના કર્મયોગીઓ વિવિધ ઘટકના આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!