દાહોદ એલસીબી પોલીસે દેવગઢ બારીઆના ભથવાડા ગામે સપાટો બોલાવ્યો : ટ્રકમાંથી રૂા.૨૭ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરી

દાહોદ તા.૦૧
દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસેથી વાહન ચેકીંગ દરમ્યાન એક ટ્રકમાંથી અધધ રૂા.૨૭,૯૪,૮૦૦ના પ્રોહી જથ્થા સાથે ટ્રકની કિંમત મળી પોલીસે કુલ રૂા.૪૮,૦૪,૮૦૦ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક સહિત બે ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
હોળી પર્વમાં વિદેશી દારૂનો જથ્થો ભેગો, હેરાફેરી કરવા તેમજ વેચાણ કરવા માટે બુટલેગરો દ્વારા તેમજ ખેપીયાઓ સક્રિય બન્યાં છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરો સામે લાલ આંખ કરી પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા માટેની કાર્યવાહી કરી રહી છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ દ્વારા પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અન્ય ગુન્હાઓને શોધી કાઢવા માટે કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆના ભથવાટા ટોલનાકા પાસે પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ટ્રક ત્યાંથી પસાર થઈ હતી અને ટ્રકમાં સવાર ટ્રકના ચાલક હશીન શહીદ સુરજ ખાન અને તેની સાથેનો તાલીમ ઈસાક મોજી ખાન (બંન્ને રહે.હરિયાણા)નાઓની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટ્રકની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં મીણીયાના થેલાઓની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની પેટીઓ નંગ.૫૫૧ જેમાં બોટલો નંગ.૧૪૬૮૮ કિંમત રૂા.૨૭,૯૪,૮૦૦ના પ્રોહી જથ્થા ટ્રકની કિંમત મળી પોલીસે કુલ રૂા.૪૮,૦૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો. પોલીસે મામલે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમોની વધુ પુછપરછ હાથ ધરી છે અને જેમાં આ વિદેશી દારૂ કોણે ભરી આપ્યો અને કોણે આપવા જઈ રહ્યાં હતાં ? વિગેરે જેવા મુદ્દાઓ પર પોલીસ દ્વારા પુછપરછનો ધમધમાટ આરંભ કરી રહી છે. ત્યારે આ સંબંધે દાહોદ એલસીબી પોલીસ દ્વારા પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

