નડિયાદ નગર વિકાસના વિવિધ કામો અને રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ બાબતે બેઠક યોજાઇ
નરેશ ગનવાણી નડિયાદ


જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કામોના સંદર્ભે સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે અગત્યની બેઠકનું આયોજન થયું હતું. નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં નગર વિકાસના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નડીઆદ મહાનગરપાલિકા, રેલવે વિભાગ, જી.એસ.આર.ટી.સી. તથા અન્ય વિભાગના અધિકારીઓ સાથે નડીઆદ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ બાબતે તથા રેલવે અને એસ.ટી.વિભાગના પડતર પ્રશ્નો બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી. જેમાં સરદાર પટેલના જન્મ સ્થળની થીમ પર નડિયાદ રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ, વૈશાલી અંડર પાસ ખાતે બ્લોક ટાઈમ લાઈન, મિશન રોડ પર નવા ઓવરબ્રિજ માટેની કામગીરી, કમળા કાંસને ઊંડો કરી નવું ગરનાળું બનાવવા, નડિયાદ બસ સ્ટેશન અંગેના પ્રશ્નો અને મોડાસા રેલવે લાઇનના કામ સહિતના રેલ્વે વિભાગને લગતા અગત્યના પડતર પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મ. ન.પા. કમિશનર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈ સહિત વહીવટી તંત્ર અને રેલવેના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

