પ્રગતિશીલ ખેડૂત માનસિંહ ડામોરના પ્રાકૃતિક ફાર્મ પર કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી


દાહોદ તા.૦૭

સમગ્ર ગુજરાતમાં જ્યારે રાજ્યપાલશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ દિશા તરફ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ હવે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. રાસાયણિક ખાતરો અને દવાઓના કારણે જમીનનો સેન્દ્રિય કાર્બન ઓછો થાય છે અને જમીન લગભગ બંજર થઈ જાય છે. પ્રાકૃતિક કૃષિ કરતા ધરતીપુત્રો તો શુભેચ્છાઓને પાત્ર છે જ, પરંતુ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કરવાનો વિચાર કરનારા દરેક ખેડૂતો પણ અભિનંદનને પાત્ર છે.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ચાંદાવાડા ગામના માનસિંહ ડામોર પોતે એક સફળ ખેડૂત છે. તેઓ કુદરતી ખેતી અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમના ફાર્મની મુલાકાતે અન્ય ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો આવતા હોય છે જેઓને માનસિંહ ડામોર ખુબ જ સરળતાથી પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિષે સમજ આપીને પ્રાકૃતિક ખેતીને અપનાવવા માટેની હાકલ કરી રહ્યા છે. આ વખતે પણ કૃષિ ઈજનેરી કોલેજ, ગોધરા અને પોલિટેકનીક દાહોદના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના સ્ટાફએ મુલાકાત લીધી હતી. જેમાં એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી વિષે જાણકારી મેળવી હતી.

પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરએ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિષે અને કુદરતી ખાતર વિષે વિસ્તાર પૂર્વક જણાવતા કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા ખેડૂતોએ ખેતીમાં આવેલી જીવાતને નિયંત્રણ કરવા માટે નિમાસ્ત્ર, સૂંઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર વગેરે પ્રાકૃતિક જંતુનાશકોનો ઉપયોગ કરીને બનાવેલ દવાઓનો પાક ઉપર છંટકાવ કરવો જેથી કરીને રોગ જીવાતનું નિયંત્રણ થશે. મહિના જૂની છાશ (લસ્સી)ને પાણીમાં ભેળવીને પાક ઉપર છંટકાવ કરવાથી ફૂગજન્ય રોગોનું નિયંત્રણ થઈ શકે શકે છે. આ છંટકાવ છોડવાઓને તાકાત પણ આપશે અને રોગથી પણ બચાવશે. આવા બધા જ પ્રકારના પ્રાકૃતિક છંટકાવોને ખેડૂત પોતાના ઘરે જ બનાવી શકે છે, તેના માટે બહુ જ ઓછો ખર્ચ કરવો પડે છે. જ્યારે તમારી જમીનનો સેન્દ્રિય કાર્બન વધી જશે ત્યારે તેનાથી પોતાની મેળે જ રોગો આવતા અટકી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!