પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને ધાનપુર ઘટક કક્ષાના સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની ઉજવણી કરાઈ

દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લામાં આઇ.સી.ડી.એસ. શાખા ધાનપુર, ખાતે મહિલા દિવસની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યભરમાં અત્યારે આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણમાસની ઉજવણી અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં આંગણવાડી બહેનો દ્વારા અત્યારે દાહોદ જિલ્લામાં પણ રોજ બ રોજ વિવિધ પ્રવુતિઓ થકી અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જે નિમિત્તે આઇસીડીએસશાખા ધાનપુર, તાલુકા પંચાયત, ધાનપુર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયતના સંયુક્ત ક્રમે તાલુકા કક્ષાના નારી સંમેલન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. નારી તું નારાયણી સૂત્રને આજની બહેનોએ સિદ્ધ કરી બતાવ્યુ છે, તેમ કહેતા માન મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ ઉમેર્યું હતું કે, આજની નારી વિવિધ ક્ષેત્રોમાં સફળતાની સીડીઓ સર કરતી થઈ છે.
તેમણે આંગણવાડી બહેનોને સંબોધતા કહ્યું હતું કે, તમારા થકી સરકારશ્રીની ઘણી યોજનાઓ અમે છેવાડાના લોકો સુધી પહોચતી કરી શક્યા છે. જે ખુબજ સરાહનીય કાર્ય છે. સરકાર પણ બહેનોને આર્થિક સહાય માટે અનેક યોજનાનો હેઠળ મદદ કરી રહી છે.
આ કાર્યક્રમમાં દરમ્યાન નારી અદાલત,૧૮૧ અભયમ તેમજ મહિલા અને બાળ વિકાસ, મહિલા અને બાળ સુરક્ષા વિભાગ, સખી વન સ્ટોપ સેન્ટર વિભાગ દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગેની વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.
તે સાથે રમત-ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ કિશોરીઓ અન્યને પ્રેરણાદાયક બની રહે તે માટે તેમનું સન્માન પણ કરવામાં આવેલ હતું. તેમજ લાભાર્થી બહેનોને પોષણ કીટ, તેમજ કીશોરીઓને માતૃ શક્તિનું કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ સંમેલન દરમ્યાન તાલુકા પંચાયત પ્રમુખશ્રી અભેસિંગ મોહનિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી અભેસિંહ વસાભાઈ મોહનિયા, જિલ્લા પ્રોગ્રામ ઓફીસરસુશ્રી ઇરાબેન ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એન. રાઠવા, સંકલિત યોજના અધિકારી ધાનપુર ઘટક-૧, ઘટક-ર સહિત અન્ય ૧૮૧ અભયમ ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર ટીમ, મહિલા અને બાળ સુરક્ષા એકમની ટીમ, આઇસીડીએસ શાખાના કર્મચારીઓ તેમજ કાર્યકર અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

