દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક કન્ટેઈનરમાંથી રૂા.૮૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ પોલીસે ભથવાડા ટોલનાકા પર કરેલ નાકાબંધી દરમિયાન અશોક લેલન કન્ટેનરમાં એર બબલ સીટોની આડમાં લઈ જવાતા રૂપિયા ૮૦,૯૪, ૯૬૦/- ની કિંમતના વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૨૭૪ પકડી પાડી ગાડીના ચાલકની અટકાયત કરી એક મોબાઈલ ફોન તથા રૂપિયા ૨૦ લાખ ની કિંમતનું કન્ટેનર મળી કુલ રૂપિયા ૧,૦૦,૯૬,૯૬૦/-નો મુદ્દામાલ કબજે લીધાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
હોળીના તહેવાર તેમજ ત્યારબાદ આવનાર લગ્નની સિઝનમાં તગડો વેપલો રળી લેવા દાહોદ જિલ્લા સહિત રાજ્યના બુટલેગરો સક્રિય બન્યા છે. અને પડોશી રાજ્ય મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં યેનકેન પ્રકારે ઘુસાડવા પ્રયાસોમાં જાેતરાયા છે. તેવા સમયે દાહોદ જિલ્લાની પોલીસ પણ બુટલેગરોના તગડો વેપલો રળી લેવાના મનસુબા પર પાણી ફેરવવા સાબદી બની છે. તેવા જ સમયે મધ્યપ્રદેશ બાજુથી ડબલ્યુ બી-૨૫કે-૮૫૭૨ નંબરના અશોક લેલન કન્ટેનરમાં એર બબલ સીટોની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી વડોદરા તરફ જતું હોવાની ગુપ્ત બાતમી પીપલોદ પોલીસ સ્ટેશનના જવાબદાર પીએસઆઇ જી.બી.રાઠવાને મળી હતી. જે બાતમીના આધારે પી.એસ.આઇ જી.બી.રાઠવાએ પોતાના સ્ટાફના માણસોને સાથે લઈ ગતરોજ રાત્રિના નવ વાગ્યાથી ભથવાડા ટોલનાકા ખાતે નાકાબંધીને કરી હતી. નાકાબંધી દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળું અશોક લેલન કન્ટેનર દૂરથી આવતું નજરે પડતાં નાકાબંધી કરી ઉભેલ પીપલોદ પોલીસ સાબદી બની હતી. અને કન્ટેનર જેવું નજીક આવ્યું કે તરત જ પોલીસે તેને ચારે બાજુથી ઘેરી લીધું હતું. અને કન્ટેનરની તલાસી લઈ એર બબલ સીટો ખસેડી તેની પાછળ સંતાડીને રાખેલ રૂપિયા ૮૦,૯૪,૯૬૦/-ની કુલ કિંમતની વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૨૭૪માં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની મોટી બોટલો નંગ-૩૭,૬૪૨ પકડી પાડી કન્ટેનરના ચાલક મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના મહુ તાલુકાના આવાસ યોજના માનપુર ખાતે રહેતા સંજય રમેશચંદ્ર જાેગીની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા ૨૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૨૦ લાખની કિંમતનું અશોક લેલન કન્ટેનર મળી કુલ રૂપિયા ૧,૦૦,૯૬,૯૬૦/-નો મુદ્દા માલ પોલીસે કબજે લઈ પીપલોદ પોલીસે આ મામલે પૂછપરછ કર્યા બાદ કન્ટેનરના ચાલક સંજય રમેશચંદ્ર જાેગી તેમજ પ્રોહી મુદ્દા માલ ભરેલ કન્ટેનર આપનાર જાેગિન્દર નામના વ્યક્તિ વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે પીપલોદ પોલીસે જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમવાર વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો પકડ્યો છે. જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

