ગરાડુ ખાતે એકતા રથનું સ્વાગત કરતા કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર
દાહોદઃ- સોમવારઃ- ભારતના પનોતા પુત્ર અને એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને યથોચિત ભાવાંજલી આપવા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ પાસે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા. ૩૧/૧૦/૨૦૧૮ના રોજ રાષ્ટ્રને અર્પણ કરનાર છે. આ પૂર્વે સમગ્ર ગુજરાતમાં પ્રથમ તબકકાની એકતા રથ યાત્રાનું રાજયના ગામડાઓમાં પરિભ્રમણ થયુ અને સરદાર પટેલને એકતાનો સંદેશો પહોંચાડયો
તદનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ, કજેલી પ્રાથમિક શાળા ખાતે એકતા રથ આવી પહોંચતા ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર અને રાજયના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડે એકતા રથમાં પ્રસ્થાપિત લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી સાથે નમન- વંદન કરવા સાથે શ્રી સરદાર સાહેબને શ્રધ્ધાંજલી આપી હતી.
આ પ્રસંગે દિપપ્રાગ્ટય સાથે સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલ સાહેબને એક અનોખી ભાવાંજલી આપવા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર સરોવર ડેમ ખાતે વિશ્વની સૈાથી ઉંચી પ્રતિમા પ્રસ્થાપિત કરી છે. જે દેશ નહીં દુનિયાને એકતાને સંદેશો પહોંચાડશે તેમ જણાવતાં સરદાર સાહેબના પ્રયત્નોથી સરદાર સરોવર ડેમ બન્યો હતો અને તેના થકી ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ આવી છે. એવી મહાન વિભૂતિની આ સ્ટચ્યુ ઓફ યુનિટી આવનારી પેઢીઓને વર્ષો સુધી એકતાને સંદેશો આપતી રહેશે
આ પ્રસંગે ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રીશ્રી બચુભાઇ ખાબડે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ભારત દેશના શિલ્પી એવા સરદાર સાહેબની વિશ્વની સૈાથી ઉંચી પ્રતિમા કેન્દ્ર અને રાજય સરકારે કેવડીયા ખાતે ઉભી કરી છે. જે ગુજરાત અને દેશ માટે ઐતિહાસિક ઘટના બની રહેશે. આ પ્રતિમા થકી દેશની એકતા અખંડિતતા કાયમી બનવા સાથે વિશ્વ ફલક ઉપર ઉપસી આવશે.
આ પસંગે ધારાસભ્ય સર્વેશ્રી રમેશભાઇ કટારા, શ્રી શૈલેષભાઇ ભાભોર, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર, મહામંત્રીશ્રી નરેન્દ્ર સોની, જીલ્લા પંચાયત સદસ્યશ્રી ભુરસિંગભાઇ, અગ્રણીશ્રી ઉદેસિંહ લબાના, યોજના સહ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી કૈલાશબેન ભગોરા, મામલતદારશ્રી ડી.ટી.મકવાણા, શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર મુનિયા, ગામ આગેવાનો, ગ્રામજનો, કર્મચારીગણ, શાળાના બાળકો વગેરે ઉપસ્થિત રહયા હતા આ પ્રસંગે એકતા રથનું પારંપરિક આદિવાસી વાજિંત્રો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તબકકે એકતા અંગેના શપથ લેવામાં આવ્યા હતા.