દાહોદ APMC ખાતે “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” યોજાયું : ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં, ડૉ.બાબાસાહેબ આંબેડકરના યોગદાનને નજર અંદાજ કરવાનો આરોપ લગાવ્યો





દાહોદ તા.૧૮
દાહોદ એ.પી.એમ.સી. હોલમાં “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” યોજાયું હતું. આ કાર્યક્રમ ડૉ. બાબાસાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિમિષાબેન સુથાર, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે અને જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડૉ.બાબાસાહેબ આંબેડકરના જીવન અને કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું કે, ડૉ.બાબાસાહેબ આંબેડકરે સમાજના દબાયેલા વર્ગો માટે બંધારણની રચના કરી હતી, પરંતુ કોંગ્રેસે તેમના યોગદાનને નજર અંદાજ કર્યું. સીમાબેન મોહિલેએ ભાજપ સરકારે બનાવેલા આંબેડકર સ્મારકો અને સામાજિક ન્યાય યોજનાઓની માહિતી આપી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસે ડૉ. આંબેડકરને ભારત રત્ન આપવામાં પણ વિલંબ કર્યો હતો, ભાજપા તેમના આદર્શોને અનુસરીને સમાજના તમામ વર્ગોના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે સતત કામ કરી રહ્યુ છે.
કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, વિવિધ સમાજના અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા. સંમેલનમાં ડૉ. આંબેડકરના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.