પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અધ્ય્ક્ષતા હેઠળ જિલ્લા પાણી સમિતિની મીટિંગ યોજાઈ : ઉનાળા ઋતુને ધ્યાને રાખી લોકોને પાણીની સમસ્યામાંથી ઉગારવા બનતા પ્રયત્નો કરી લોકોને પાણી મળે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવી : મંત્રી ખાબડ
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્ય્ક્ષ સ્થાને તેમજ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિ હેઠળ દાહોદ જિલ્લા પાણી સમિતિની વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક નિમિતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, અત્યારે ઉનાળા ઋતુને ધ્યાને રાખી લોકોને પાણીની સમસ્યામાંથી ઉગારવા બનતા પ્રયત્નો કરી લોકોને પાણી મળે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવી જરૂરી છે. દાહોદ જીલ્લાના દરેક ગામમાં લોકોને પાણી સરળતાથી મળી રહે તે માટેની કામગીરી ઝડપથી થાય તે અત્યંત મહત્વનું છે. લોકો સુધી પાણી પહોંચાડવાની આ પ્રક્રિયા ઝડપથી થાય તે સુનિશ્ચિત કરી કામગીરી પૂર્ણ કરવી.
આ દરમ્યાન સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરએ ઉમેરતા કહ્યું હતું કે, નલ સે જલ યોજનાને સાર્થક કરવા પ્રથમ તો ગામલોકોને પાણી મળી રહે તે અગત્યનું છે. લોકો સુધી પાણી પહોંચતું કરવા પાણીના સંપમાં પાણી હોય તે જરૂરી છે. ટેન્કર વ્યવસ્થા અથવા તો હેન્ડ પંપ રીપેરીંગ કામગીરી ઝડપથી કરીને પણ લોકો સુધી પાણી પહોંચે તેમજ લોકોને પાણી માટે મુશ્કેલી ન પડે એ માટેની સત્વરે કામગીરી કરવી.
આ સાથે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ પાણી માટેની હેલ્પ લાઈન નંબર પરની સેવાને સક્રિય કરવા તેમજ આવેલી ફરિયાદોને ગંભીરતાથી લઈને જે તે ફરિયાદનું કારણ જાણીને તેનું નિવારણ ઝડપથી આવે તે માટેના પૂર્વ આયોજન સહિત કામગીરી કરવી એ સાથે તમામ ગામોની તાલુકા મુજબ પાણીના પ્રશ્નોની યાદી બનાવી સકારાત્મક ઉકેલ આવે એ રીતે સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સુચના આપી હતી.
આ મીટિંગ દરમ્યાન નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, ડીઆરડીએ નિયામકશ્રી બી.એમ.પટેલ, ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા, માલતદારશ્રીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપરાંત વર્ચ્યુઅલ માધ્યમથી ટીડીઓશ્રીઓ તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

