દાહોદમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન વચ્ચે કેટલીક જગ્યાએ ગંદકી વધારતાં કચરાના ઢગ

દાહોદ શહેરના બહારપુરાથી નદી પાર જતા ડાયવર્ઝન રોડની સાઈડમાં આવેલ ગટર સાફ કર્યા બાદ તેમાંના દુર્ગંધ મારતા કચરાના ઢગલા કર્યા બાદ તેનો તાત્કાલિક નિકાલ ન કરાતા છેલ્લા ત્રણ દિવસથી તડકામાં સુકાઈ ગયેલા કચરાના ઢગ ગંદકીમાં વધારો કરતા તેનો સત્વરે નિકાલ કરવો જરૂરી બન્યું છે. દાહોદ શહેરમાં હાલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાત્રિમાં લાઈટના અજવાળે પણ સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દુર્ગંધ મારતી ગંદકીથી ખદબદતી ગટરોની સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના બારપુરાથી નદીપાર જવા માટેના ડાયવર્ઝન રોડ પર રોડની એક તરફ આવેલી દુર્ગંધ મારતા કચરાથી ખદબદતી ગટરની બે-ત્રણ દિવસ અગાઉ સફાઈ હાથ ધરવામાં આવી હતી. અને તેમાંનો દુર્ગંધ મારતો કચરો બહાર કાઢી ગટરના કિનારે તેનો ઢગલો કરવામાં આવ્યો હતો. આ રોડ પર ઠેર ઠેર આવા ઢગલા કરવામાં આવ્યા હતા. જેનો તાત્કાલિક નિકાલ ના કરાતા તે ઢગલા ધોમધખતા તાપમાં સુકાઈ જતા વધુ ગંદકી ફેલાવી રહ્યા છે. જે તાત્કાલિક હટાવવા જરૂરી બન્યા છે. ગટર સાફ કરી ગટરમાંથી બહાર કાઢેલ દુર્ગંધ મારતા કચરાનો તાત્કાલિક નિકાલ કરવાની જવાબદારી પણ ગટર સાફ કરવા વાળા કર્મચારીની જ હોય છે. તો પછી છેલ્લા ત્રણ દિવસથી ગંદકી ફેલાવી રહેલા આ કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો કે નહીં તે બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી સફાઈ કર્મચારીની સાથે સાથે મુકાદમની પણ છે. ત્યારે આ કચરાના ઢગ હજી સુધી મુકાદમની નજરમાં કેમ ના આવ્યા તે એક તપાસનો વિષય છે. આ કચરાના ઢગ તાત્કાલિક હટાવી જગ્યા સાફ કરવામાં આવે તે સૌના હિતમાં છે.

