માતાના પાલ્લા ગામે કબુતરી નદીના ડીપનાળાની તૂટેલી રેલિંગ : માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી અકસ્માતનો ખતરો, 10 મહિનાથી તૂટેલી રેલિંગે લોકોના જીવ જોખમમાં મૂક્યા
દાહોદ તા.૨૩
માતાના પાલ્લા ગામમાં કબુતરી નદી પર આવેલા ડીપનાળાની સ્થિતિ ચિંતાજનક બની છે. છેલ્લા 10 મહિનાથી લોખંડની રેલિંગ તૂટેલી હોવા છતાં માર્ગ અને મકાન વિભાગે કોઈ પગલાં લીધા નથી. આ ડીપનાળુ એક વ્યસ્ત માર્ગ પર આવેલો છે. દરરોજ સેંકડો વાહનો અહીંથી પસાર થાય છે. હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે. રાત્રે પણ વાહનોની અવરજવર વધારે રહે છે. રેલિંગની તૂટેલી સ્થિતિ દર્શાવતું કોઈ સૂચના બોર્ડ કે રિફ્લેક્ટર નથી. આ કારણે રાત્રે અકસ્માતનું જોખમ વધી જાય છે.
સ્થાનિક રહેવાસી માંગીલાલ ચારેલે જણાવ્યું કે, રાત્રે લગ્નપ્રસંગે જવું ખૂબ જોખમી બન્યું છે. લોકોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. તૂટેલી રેલિંગના કારણે નાની ભૂલ પણ વાહનચાલકને નદીમાં ખાબકી શકે છે. જેના કારણે લોકો જીવ પણ ગુમાવી શકે છે, તુટેલી રેલિંગના કારણે અવાર નવાર અકસ્માત થયા જ કરે છે.
માર્ગ અને મકાન વિભાગની આ બેદરકારી ગંભીર છે. તેમણે તાત્કાલિક રેલિંગનું સમારકામ કરવું જોઈએ. સાથે સૂચના બોર્ડ અને રિફ્લેક્ટર લગાવવા જરૂરી છે. લગ્ન સિઝનમાં વધેલી ટ્રાફિકને જોતાં આ કામગીરી તાકીદે થવી જોઈએ. જો કોઈ મોટો અકસ્માત થશે તો તેની જવાબદારી સંપૂર્ણપણે તંત્રની રહેશે તેવુ લોકો જણાવી રહ્યા છે.
કબુતરી નદી ઉપર આવેલા ડીપનાળાની તૂટેલી રેલિંગ બાબતે લીમખેડા માર્ગ અને મકાન પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર માવી ને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, આ રેલિંગ ચોમાસા દરમિયાન તુટી ગઈ હતી, જે તુટેલી રેલિંગને તાત્કાલિક રીપેરીંગ કરી દેવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.

