દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિનની થયેલી ડિઝીટલ માધ્યમથી ઉજવણી ગરબાડા ખાતે રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઉજવણીમાં ડિઝીટલ માધ્યમથી સહભાગી બન્યા
દાહોદ તા.9
રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મુખ્ય યજમાન પદે દાહોદ જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં વિશ્વ આદિવાસી દિનની ડિઝીટલ માધ્યમથી ઉજવણી કરવામાં આવી હતી. ટ્રાયબલ બેલ્ટના ૧૪ જિલ્લામાં એક સાથે કરવામાં આવેલી આ ઉજવણીમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ ઓનલાઇન સહભાગી બન્યા હતા અને તેમણે પોતાનો પ્રેરક સંદેશો આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અંબાજીથી લઇને ઉંમર ગામ સુધીના આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આદિવાસીઓના વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના મહત્વની સાબિત થઇ છે. અત્યાર સુધીમાં આદિવાસી સમાજના વિકાસ માટે રૂ. એક લાખ કરોડની ખર્ચથી આદિવાસી વિસ્તારોમાં કૃષિ, પાણી, આરોગ્ય, શિક્ષક, વીજળી, રસ્તા અને સામાજિક વિકાસના કામો કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઇના કાર્યકાળમાં કેન્દ્ર સરકારે અલાયદા આદિજાતિ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી હતી. અમારી સરકાર પણ આદિવાસીઓને તેમના અધિકારો આપવા માટે પ્રતિબદ્ધ છે. એટલે જ પેસા એક્ટનો અમલ કરી જમીન અને જંગલના હકો આદિવાસીઓને આપવામાં આવ્યા છે. સવા લાખ આદિવાસીઓને જમીનની સનદો આપવામાં આવી છે.
તેમણે ઉપરાંત વિવિધ યોજનાલક્ષી માહિતી આપી હતી અને આદિવાસી સમાજના નરબંકાઓનું પુણ્ય સ્મરણ કર્યું હતું. સાથે, મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી વિસ્તારમાં રૂ. ૧૩૭ કરોડના ખર્ચથી નિર્માણ પામેલી શિક્ષણ સુવિધાનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે સર્વાંગ વિકાસ માટે શિક્ષણના મહત્વને પણ સમજાવ્યું હતું.
ગરબાડા ખાતે થયેલી ઉજવણીમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે કહ્યું કે વિશ્વ આદિવાસી દિન આદિવાસીઓના પોતાના તહેવાર સમાન છે. આદિવાસીઓની સંસ્કૃતિની આગવી પહેચાન છે. તેને બરકરાર રાખી સૌએ સાથે મળી વિકાસ પણ સાધવો પડશે.
તેમણે એમ પણ કહ્યું કે, આદિવાસી સમાજના બાળકો સારી રીતે ભણી શકે એ માટે સરકાર દ્વારા એકલવ્ય, મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. દાહોદને મેડિકલ કોલેજ મળી છે. પેસા એક્ટનો સારી અમલ થતાં વનવાસીઓને તેમના હક્કો મળ્યા છે.
વિશ્વ આદિવાસી દિનની ઉજવણી સાથે આદિવાસી સમાજના તેજસ્વી સીતારાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ કલેક્ટર શ્રી વિજય ખરાડી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#Sindhuuday Dahod