વડતાલધામમાં શ્રી સહજાનંદી બાળ યુવા શિબીર – પૂ.લાલજી મહારાજનો પ્રેરક ઉદ્દબોધન

નરેશ ગનવાણી

વડતાલધામ ખાતે ચાલી રહેલી શ્રી સહજાનંદી બાળ યુવા શિબીરના દ્વિતીય દિવસે પ.પૂ.૧૦૮  સૌરભપ્રસાદજી મહારાજે શિબિરમાં ભાગ લેનાર તમામ શિબિરાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ કરવા અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની પ્રેરણા આપી હતી.
તેઓએ બાળકોને સંબોધિત કરતાં જણાવ્યું કે, “આળસ, પ્રમાદ અને મોહ – આ ત્રણ વસ્તુઓ યુવાનોના વિકાસમાં અડચણરૂપ છે. આજે સૌથી મોટું વિક્ષેપનું સાધન સોશિયલ મીડિયા છે, તેથી તેના પ્રભાવથી બચવું અત્યંત આવશ્યક છે.” મહારાજએ જણાવ્યું કે, “તમામ શિબિરાર્થીઓ સંપ્રદાયનું આવતીકાલનું ભવિષ્ય છે. શ્રીજી મહારાજની કૃપાથી વડતાલધામમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેનું પૂરું મહત્ત્વ સમજવું જોઈએ.”
તેમણે વડતાલધામના મહાત્મ્યનું પણ  વર્ણન કર્યું અને ઉમેર્યું કે શ્રી હરિએ વડતાલના હરિમંડપમાં પોતે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી, તેથી વડતાલધામ આજ્ઞા અને ઉપાસનાનું મુખ્ય કેન્દ્ર છે.
શિબીરના આ આયોજનમાં પૂ.લાલજી મહારાજે શ્યામવલ્લભ સ્વામી, નારાયણચરણ સ્વામી, ગુણસાગર સ્વામી, રઘુનંદન સ્વામી તથા તમામ કાર્યકર્તાઓનું પુષ્પપાંદડી અને ફૂલહારથી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યાં હતા.
શિબિરના પ્રારંભ દિવસે, ૨૫ એપ્રિલે, શુક્રવારે વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી, મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, હરિપ્રકાશ સ્વામી (સાળંગપુર) અને શુકદેવ સ્વામી તેમજ હરિસાગર સ્વામીના પાવન હસ્તે દીપ પ્રાગટ્ય કરાવાયું હતું.
આ પ્રસંગે ડૉ. સંતસ્વામીએ બાળકોને આશીર્વચન આપતાં જણાવ્યું કે, “જેના બહુ ભાગ્ય હોય છે તેને ભગવાન વડતાલધામ બોલાવે છે.” કોઠારી દેવપ્રકાશસ્વામી અને અન્ય સંતોએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
ગુજરાત તેમજ મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી હજારો બાળકો અને યુવાનો ઉત્સાહપૂર્વક શિબિરમાં હાજર રહ્યા હતા.

2 thoughts on “વડતાલધામમાં શ્રી સહજાનંદી બાળ યુવા શિબીર – પૂ.લાલજી મહારાજનો પ્રેરક ઉદ્દબોધન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!